નવી દિલ્હી
કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી તેની જંગી જીત બાદ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ સાથે વિપક્ષી એકતાનું જોરદાર ઉદાહરણ પૂરું પાડવા માંગતી હતી. હવે આ કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસની આ યોજનાને ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ કાર્યક્રમથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.
મમતાએ કર્ણાટકના સીએમના શપથ ગ્રહણ સમારોહથી પોતાને દૂર રાખ્યા અને કાર્યક્રમમાં પોતાના પ્રતિનિધિને મોકલવાનો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતાં સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું હતું કે ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વતી કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અનેક મુખ્યમંત્રીઓ અને પક્ષના નેતાઓને આમંત્રણ પાઠવ્યા છે અને તેમને વ્યક્તિગત રીતે આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. બીજી બાજુ ઝારખંડના સીએમ હેમંત સોરેન, સીપીઆઈ-એમના મહાસચિવ સીતારામ યેચુરી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે જેડી(યુ)ના પ્રવક્તા રાજીવ રંજનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ખડગેએ સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાને ફોન કર્યો છે, જેઓ હાજરી આપે તેવી શક્યતા વધુ છે.
કોંગ્રેસે તેલંગાણાના મુખ્યમંત્રી અને બીઆરએસ નેતા કે ચંદ્રશેખર રાવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડી નેતા નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહનને કોઈ આમંત્રણ મોકલ્યું નથી.
મમતા બેનર્જી કર્ણાટકમાં નવી સરકારના શપથ સમારોહમાં હાજર નહીં રહે
Total Visiters :316 Total: 1476080