ભાજપ ભવિષ્યની વાત નથી કરતો, નિષ્ફળતા માટે ભૂતકાળમાં બીજાને દોષી ઠરાવે છેઃ રાહુલ ગાંધી

Spread the love

રાહુલ ગાંધી જેવિટ્સ સેન્ટરમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 60 સેકન્ડનું મૌન પાળ્યું


વોશિંગ્ટન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલના દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે. જ્યાંથી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ પર સીધા પ્રહાર કરતા કહ્યું કે આ લોકો ક્યારેય ભવિષ્ય વિશે વાત જ નથી કરતા અને હંમેશા તેમની નિષ્ફળતા માટે ભૂતકાળમાં બીજાને દોષી ઠેરવે છે. અમેરિકાના પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધી જેવિટ્સ સેન્ટરમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 60 સેકન્ડનું મૌન પાળ્યું હતું.
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 270 થી વધુ લોકોના મોત થયા છે. કેટલાક લોકો અને વિપક્ષી દળો દ્વારા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલે કહ્યું, મને એક ટ્રેન દુર્ઘટના યાદ છે, જ્યારે એ દુર્ઘટના કોંગ્રેસના શાસન વખતે થઈ ત્યારે કોંગ્રેસે એવું નહોતું કહ્યું કે એ ટ્રેન દુર્ઘટના અંગ્રેજોની ભૂલને કારણે થઈ હતી. કોંગ્રેસના મંત્રીએ કહ્યું ‘આ મારી જવાબદારી છે’ અને હું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના મંત્રીનું નામ લીધા વિના રાહુલ ગાંધીએ કહ્યું કે, તો અમારા ઘરમાં આ જ સમસ્યા છે, અમે બહાના બનાવીએ છીએ અને અમે જે વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છીએ તે અમે સ્વીકારતા નથી.
તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસ ભવિષ્ય જોઈ શકતા નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, પીએમ મોદી રીઅર વ્યુ મિરર જોઈને કાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં તેઓ સમજી શકતા નથી કે આ કાર કેમ ક્રેશ થઈ રહી છે, આગળ નથી વધી રહી. તમે મંત્રીઓને સાંભળો છો, તમે વડાપ્રધાનને સાંભળો છો, હકીકતમાં તમે તેમને ક્યારેય ભવિષ્ય વિશે વાત કરતા જોશો જ નહીં. તેઓ માત્ર ભૂતકાળની વાત કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ અને આરએસએસ ભવિષ્યને જોવા માટે અસમર્થ છે, કારણ કે તેઓ ક્યારેય ભવિષ્ય વિશે વાત કરતા નથી, તેઓ માત્ર ભૂતકાળની વાત કરે છે અને તેઓ હંમેશા ભૂતકાળ માટે કોઈ બીજાને દોષ આપે છે. તેમણે કહ્યું કે ભારતમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે – એકનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ કરે છે અને બીજાનું પ્રતિનિધિત્વ ભાજપ અને આરએસએસ કરે છે.
આ સાથે રાહુલે કહ્યું, આ લડાઈને વર્ણવવાની સૌથી સરળ રીત એ છે કે એક તરફ મહાત્મા ગાંધી છે અને બીજી તરફ નાથુરામ ગોડસે છે. રાહુલે કહ્યું, તમામ દિગ્ગજ લોકો જે ભારતમાંથી બહાર આવ્યા છે, તમે જોઈ શકો છો કે તેમની પાસે ચોક્કસ ગુણો હતા. પ્રથમ, તેઓએ સત્યની શોધ કરી, તેનું પ્રતિનિધિત્વ કર્યું અને તેના માટે લડ્યા. બીજું, આ બધા લોકો નમ્ર હતા, અને તેમને કોઈ ઘમંડ નથી. અમેરિકામાં ભારતીયોએ આ રીતે કર્યું છે અને તેથી જ અહીં ભારતીયો સફળ થયા છે. આ માટે હું તમારો આદર અને સન્માન કરું છું.

Total Visiters :164 Total: 1476222

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *