કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જબલપૂરથી પ્રચારની શરુઆત કરી
જબલપુર
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. આ પાર્શ્વભૂમિ પર કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ જબલપૂરથી પ્રચારની શરુઆત કરી છે. આ પ્રસંગે બોલતી વખતે પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશની જનતાને પાંચ મોટા વાયદા કર્યા છે. 225 મહિનામાં ભાજપની સરકારે 220 સ્કેમ કર્યા છે, તેવો આક્ષેપ પણ પ્રિયંકાએ કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ ગ્વારીઘાટ પર નર્મદા નદીની આરતી કરી હતી. ત્યાર બાદ શહિદ સ્મારક પર સભાને સંબોધન કર્યુ હતું. આ સભામાં બોલતી વખતે ખેડૂતો, મહિલા, વિજળી, જૂની પેન્શન યોજના વગેરે જેવા પાંચ મુદ્દાઓ પર જનતાને આશ્વાસન આપ્યું હતું.
દર મહિને મહિલાઓને 1500 રુપિયા તથા ગેસ સિલેન્ડર 500 રુપિયામાં આપવામાં આવશે. 100 યુનિટ સુધી વિજળી મફત મળશે. 200 યુનિટ સુધી વિજળીના વપરાશ પર 50 ટકા જ બિલ આવશે. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરી ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. અમારી સરકાર આવશે તો તમામ વાયદાઓ પૂરા કરવામાં આવશે. આ વાયદાઓ કર્ણાટકમાં પણ કરવામાં આવ્યા હતાં. અમારી સરકાર આવતા અમે તે પૂર્ણ પણ કર્યા છે. એવું પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું.
શિવરાજ સિંહ ચૌહાણ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં પ્રિયંકાએ કહ્યું કે, પાછલાં ત્રણ વર્ષમાં માત્ર 21 લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. જ્યારે આ જાણકારી મને મળી ત્યારે મેં મારા ઓફિસમાંતી આ બાબતની તપાસ કરાવતા તે સાચું હોવાનું જાણવા મળ્યું હતું.