પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતાડનારા મુંબઈના સુકાની રોહિત શર્માના ડબલ્યુટીસી ફાઈનલમાં નેતૃત્વનો બચાવ કર્યો
નવી દિલ્હી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એવું નિવેદન આપ્યું છે કે જે જાણીને ચાહકો હેરાન રહી ગયા છે. ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટનશીપનો બચાવ કરતા કહ્યું કે, આઈપીએલનો ખિતાબ જીતવો એ વર્લ્ડ કપ જીતવા કરતાં વધુ મુશ્કેલ છે. ગાંગુલીનું આ નિવેદન ચાહકોને હેરાન કરી રહ્યું છે. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ગાંગુલીએ કહ્યું કે, મને રોહિત પર પૂરો વિશ્વાસ છે. તેણે અને એમએસ ધોનીએ 5 આઈપીએલ ટાઈટલ જીત્યા છે. આઈપીએલ જીતવી સરળ નથી કારણ કે તે એક અઘરી ટૂર્નામેન્ટ છે. વર્લ્ડ કપ જીતવા કરતાં વધુ મુશ્કેલ છે કારણ કે ત્યાં 14 મેચો છે જેના પછી તમે પ્લેઓફમાં ભાગ લો છો. વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચવા માટે ફક્ત 4-5 મેચો જ લે છે. આઈપીએલમાં ચેમ્પિયન બનવા માટે 17 મેચો લાગે છે.
ગાંગુલીનું આ નિવેદન ડબલ્યુટીસી ફાઈનલમાં ભારતની હાર બાદ આવ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 209 રનથી હરાવ્યું હતું. 10 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટ્રોફી જીતવા માટે તલપાપડ છે. આવી સ્થિતિમાં ગાંગુલીએ આવું નિવેદન આપીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ ગાંગુલીએ વધુમાં કહ્યું કે, કોહલીએ સુકાની પદ છોડ્યા બાદ ટીમને એવા કેપ્ટનની જરૂર હતી જે ટીમને આગળ લઈ જઈ શકે. સૌરવે કહ્યું, રોહિત તે સમયે કેપ્ટન બનવા માટે શ્રેષ્ઠ પસંદગી હતો. તેણે 5 આઈપીએલ ટ્રોફી જીતી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. તેણે તેની કેપ્ટનશિપમાં ભારતને એશિયા કપ જીતાડ્યો હતો. તે શ્રેષ્ઠ પસંદગી હતી. ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ રમ્યા હતા જોકે આપણે હારી ગયા હતા.
ગાંગુલીએ ભાર આપીને કહ્યું કે, કોહલીના કેપ્ટન તરીકે બહાર થયા બાદ પસંદગીકારોએ રોહિતને ટીમની કેપ્ટનશી આપવામાં કોઈ ભૂલ નથી કરી. ગાંગુલીએ કહ્યું કે, 2 વર્ષ પહેલા પણ આપણે ડબલ્યુટીસી ફાઈનલ હારી ગયા હતા. આપણે ટી20 વર્લ્ડ કપના સોમીફાઈનલમાં પહોંચી ગયા હતા. એટલા માટે પસંદગીકારોએ એ વ્યક્તિને પસંદ કર્યો જે આ કામ માટે સૌથી શ્રેષ્ઠ હતો.