19 ગામોમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે 13.5 હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું
દીસપુર
દેશના પશ્ચિમ ભાગમાં જ્યારે વાવાઝોડા બિપરજોયનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે પૂર્વમાં ઘણા લોકો પૂરથી પ્રભાવિત થયાના સમાચાર આવી રહ્યા છે. આસામમાં પૂરથી લગભગ 21 હજાર લોકો પ્રભાવિત થયાની માહિતી આપવામાં આવી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ લખીમપુરમાં 20 હજારથી વધુ જ્યારે ધેમાજીમાં 160 જેટલા લોકો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત 19 ગામોમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે 13.5 હેક્ટરથી વધુ જમીન પરના પાકને નુકસાન થયું છે.
આસામના લખીમપુર, વિશ્વનાથ, દરરંગ, ધેમાજી, દિમા હસાઓ, ડિબ્રુગઢ અને ગોલાઘાટ જિલ્લાઓ સહિત અન્ય જિલ્લાઓમાં પૂરના પાણી માત્ર ઘરોમાં ઘૂસ્યા નથી પણ પાળા, રસ્તા, પુલને પણ નુકસાન કર્યું છે. ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં, આસામ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું છે જેને પગલે અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. જો કે આ વચ્ચે એક રાહતના સમાચાર છે કે હાલમાં કોઈ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી નથી.
ગુવાહાટી સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્રએ જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં ઉત્તરપૂર્વમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં બંગાળની ખાડીમાંથી તીવ્ર નીચા-સ્તરના દક્ષિણ/દક્ષિણપશ્ચિમ પવનોને કારણે ભેજ પ્રવર્તે તેવી શક્યતા છે. તેના પ્રભાવને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેના બાદ બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.