ગુરુ-શિષ્ય વચ્ચેના બંધનના કાલાતીત વારસાનું અભિવાદન
મુંબઈ
ઇન્ટરનેશનલ બ્રોડવે મ્યુઝિકલ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ની અભૂતપૂર્વ સફળતા બાદ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર તમારા માટે વાર્ષિક ઉજવણી સ્વરૂપે લાવી રહ્યું છે – ‘પરંપરા –ગુરુપૂર્ણિમા વિશેષ મહોત્સવ’. આ વર્ષે ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ ઉસ્તાદો અને તેમના પ્રસિદ્ધ શિષ્યોને એકમંચ પર લાવવામાં આવી રહ્યા છે. કાલાતીત ગુરુ-શિષ્ય પરંપરાના વાર્ષિક અભિવાદન તરીકે જેની કલ્પના કરવામાં આવી છે તેવી આ વિશેષ પ્રસ્તુતિ શ્રીમતી નીતા અંબાણીના વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરવા અને વિશ્વના શ્રેષ્ઠને ભારતમાં લાવવાના વિઝન થકી માર્ગદર્શિત છે.
30મી જૂન અને પહેલી જુલાઈના રોજ બે દિવસીય વિશેષ ઉજવણી સાંજના 7.30 વાગ્યાથી સાંસ્કૃતિક કેન્દ્રના 2000-સીટર પર્ફોર્મિંગ આર્ટ સ્પેસ – ધ ગ્રાન્ડ થિયેટર ખાતે યોજાશે – જ્યાં ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’ અને ઇન્ટરનેશનલ બ્રોડવે મ્યુઝિકલ, ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ જેવા સીમાચિહ્ન ગણાતા આયોજનો યોજાયા હતા.
સ્થાપક અને અધ્યક્ષા શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું કે, “ગુરુ માત્ર જ્ઞાન જ નથી આપતા પણ શિષ્યોને સ્વ-સંશોધનના તેમના માર્ગ પર આગળ વધવાનું માર્ગદર્શન પણ આપે છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ શિસ્ત, સમર્પણ અને અત્યંત આદર દ્વારા સંચાલિત જીવનભરની યાત્રાને દર્શાવે છે. આ ગુરુપૂર્ણિમામાં એનએમએસીસી ખાતે અમે આ કાલાતીત પરંપરાનું નમ્ર અભિવાદન કરતાં આનંદ અનુભવીએ છીએ. ‘પરંપરા’ ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ ઉસ્તાદો અને તેમના પ્રખ્યાત શિષ્યોને એકમંચ પર લાવી રહ્યું છે. આવો આપણે સાથે મળીને આ પવિત્ર બંધનની ઉજવણી કરીએ અને આપણી જાતને એક સાંસ્કૃતિક વારસામાં તરબોળ કરી લઈએ જે પેઢી દર પેઢી આગળ આગળ વધી રહી છે.”
આ બે દિવસ દરમિયાન કળાપ્રેમીઓ સુપ્રસિદ્ધ વાંસળીવાદક પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને તેમના ભત્રીજા રાકેશ ચૌરસિયાની; સરોદ ઉસ્તાદ પદ્મ વિભૂષણ ઉસ્તાદ અમજદ અલી ખાન તેમના પુત્રો અમાન તથા અયાન અલી બંગશ અને પૌત્રો ઝોહાન અને અબીર અલી બંગશ સાથે; તેમજ સિતારવાદક પંડિત કાર્તિક કુમાર અને તેમના પુત્ર નિલાદ્રી કુમારની યાદગાર જુગલબંદીના સાક્ષી બનશે. આ પ્રતિષ્ઠિત સંગીતકારોની રજૂઆત સંગીત અને આધ્યાત્મિકતાના દુર્લભ સંશોધનને ચિહ્નિત કરશે.
ધ ગ્રાન્ડ થિયેટર આ વિકેન્ડ આ મહાન કળાકારોના વારસાની ઉજવણી સ્વરૂપે એક અસાધારણ સંગીત જલસાનું સાક્ષી બનશે. અહીં તમને તેમના મનમોહી લેતા સંગીતની રજૂઆત જ નહીં પરંતુ થિયેટરના વર્લ્ડ-ક્લાસ એકોસ્ટિક્સ પણ માણવા મળશે, જે સંગીતની દરેક હરકતને જાદુઈ બનાવે છે.