જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને નીતીશ કેબિનેટમાંથી રાજીનામું આપવા સાથે માંઝીની પાર્ટી બિહારના મહાગઠબંધનમાંથી છુટી પડી ગઈ
પટના
બિહાર સીએમ નીતિશ કુમારે મહાગઠબંધન સાથે સંબંધ તોડવા માટે હિન્દુસ્તાની આવામ મોર્ચાના વડા જીતન રામ માંઝી પર પ્રહાર કરતા કહ્યું મેં કહ્યું હતું કે તેઓ કાં તો જેડીયુમાં ભળી જાય અથવા અહીંથી નીકળી જાય. જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને તાજેતરમાં જ નીતીશ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને આ સાથે માંઝીની પાર્ટી બિહારના મહાગઠબંધનમાંથી છુટી પડી ગઈ છે.
નીતિશ કુમારે જીતન રામ માંઝી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે તે બીજેપીના લોકોને મળતા હતા. હવે સારુ થયું કે અમારાથી તેઓ અલગ થઈ ગયા. હવે વિરોધ પક્ષોની બેઠક યોજાવાની છે. જો તેઓ આ મીટીંગમાં બેઠા હોત તો તેઓ આ મામલો અંદરખાને ભાજપ સુધી પહોંચાડી દેત એટલા માટે તે સારું છે કે તેઓએ અમને છોડી દીધા છે.
નીતીશ કુમારે ગયા વર્ષે ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા અને આરજેડી-કોંગ્રેસ સાથે મહાગઠબંધનની સરકાર બનાવી હતી. આ સરકારમાં ડાબેરી પક્ષોએ બહારથી સમર્થન આપ્યું હતું. તે સમયે હિન્દુસ્તાની આવામ મોર્ચાએ 2020ની વિધાનસભા ચૂંટણી નીતિશ સાથે મળીને લડ્યા હતા. આ સ્થિતિમાં તેઓ પણ નીતિશ સાથે મહાગઠબંધનમાં જોડાયા હતા. માંઝીની પાર્ટીમાં ચાર ધારાસભ્યો છે. તેમના પુત્ર સંતોષ માંઝીને મહાગઠબંધન સરકારમાં લઘુમતી કલ્યાણ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. સંતોષ સુમને હવે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ સંતોષ સુમને નીતિશ કુમાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ જેડીયુ સાથે વિલીનીકરણ માટે પાર્ટી પર દબાણ કરી રહ્યા હતા અને વધુમાં તેમણે કહ્યું હતું કે, જેડીયુ ઈચ્છે છે કે અમે અમારી પાર્ટીને તેમની સાથે જોડીએ. પરંતુ અમને તે મંજુર નથી. અમે એકલા લડીશું. અમે જેડીયુ સાથે વિલીનીકરણ કરવા માંગતા નથી. નીતિશ કુમાર સતત અમને વિલીનીકરણ માટે કહી રહ્યા હતા, પરંતુ અમે ના પાડી દીધી છે.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર એવુ માનવામાં આવી રહ્યુ છે કે માંઝી ફરી એકવાર એનડીએમાં જોડાઈ શકે છે. જીતનરામ માંઝીએ 19મી જૂને પટનામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાવિ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવશે અને તે લગભગ નિશ્ચિત છે કે માંઝી આગામી સમયમાં એનડીએનો ભાગ બનશે. મહાગઠબંધનમાંથી બહાર થયા બાદ જીતન રામ માંઝીએ બુધવારે કહ્યું કે તેમની પાર્ટી કોઈ દુકાન નથી કે પૈસાથી ખરીદી શકાય. તેમણે વધુમાં કહ્યુ હતું કે નીતિશ કુમારની પાર્ટી વિલય માટે સતત અમારા પર દબાણ કરી રહી હતી અને પાણી નાક ઉપર વહી ગયું હતું. તેમણે કહ્યું, અમારી પાર્ટી સંઘર્ષ કરશે.