ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં 22 ટકા કરતા વધુ વરસાદ

Spread the love

સૌથી વધુ કચ્છમાં 76.80 ટકા વરસાદ વરસ્યો, અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તેમજ નદી નાળા અને ઝરણાં વહેતા થયા

અમદાવાદ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના પગલે મચ્છુ અને ભાદર-2ના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં સરેરાશ 22 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જેમા સૌથી વધુ કચ્છમાં વરસ્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમા જૂનાગઢ શહેરમાં 10 ઈંચ, ગિરનાર પર્વત પર 12 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તેમજ નદી નાળા અને ઝરણાં વહેતા થયા છે. જૂનાગઢમાં વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગરના ચોટીલામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસતા ચોટીલા ડુંગર પરથી વરસાદી પાણી વહેતા થયા હતા જ્યારે લખતર અને સાયલામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને હેઠવાસના 20 ગામોને ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ  ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં સરેરાશ 22.90 ટકા વરસાદ વરસ્યો છે જેમા સૌથી વધુ કચ્છમાં 76.80 ટકા વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લામાં  મોડી રાતથી વરસાદ શરુ થયો હતો જ્યારે 24 કલાકમાં વ્યારામાં 8 ઈંચ, વાલોડમાં 9 ઈંચ, ડોવલણમાં 7 અને સોનગઢમાં 5 ઈંચ વરસાદ વરસી ગયો હતો જેના પગલે ઉકાઈ ડેમની સપાટી 308.45 ફૂટ પર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત તાપીના સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો હતો તેમજ ચોમાસાના પ્રારંભે જ ડેમ ઓવરફ્લો થતા 10 ગામોને એલર્ટ આપવામાં આવ્યુ હતું. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ધનસુરા અને બાયડમાં ચાર ઈંચ, માલપુરમાં બે અને મોડાસામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા. અંબાજી પંથકમાં પણ મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. 

સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભુખી પાસેનો ભાદર-2 ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો હોવાથી ભયજનક સપાટીએ ઓવરરફલો થઈ રહ્યો છે. આથી ડેમના 6 દરવાજા 5 ફૂટે ખોલવામાં આવ્યા છે. આ સાથે ડેમમાંથી 38674 કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કરાયા છે. ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Total Visiters :161 Total: 903868

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *