અગાઉ 15 જુલાઈએ સરકારે ફરીથી પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો, 1લી ઓગસ્ટથી અમલ
નવી દિલ્હી
કેન્દ્ર સરકારે આજથી ઓઈલ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ પર એસએઈડી (સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી) વિન્ડફોલ ટેક્સ 1600 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4250 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. સરકારે તેનો અમલ પણ આજથી એટલે કે 1લી ઓગસ્ટથી કર્યો છે. અગાઉ 15 જુલાઈએ સરકારે ફરીથી પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો અને તેને વધારીને 1600 રૂપિયા પ્રતિ ટન કરી દીધો હતો.
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ ડીઝલ પર પણ વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો છે. અગાઉ તે શૂન્ય પર હતો. નવા આદેશમાં સરકારે ડીઝલ પર પ્રતિ લીટર 1 રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ લાદ્યો છે. સરકારે પેટ્રોલ અને એટીએફ પર કોઈ વિન્ડફોલ ટેક્સ લગાવ્યો નથી. દર 15 દિવસે તેમની સમીક્ષા કરવામાં આવે છે.
સરકારે 15 જુલાઈના રોજ પેટ્રોલિયમ ક્રૂડના ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ વધારીને 1600 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. ભારતમાં તેલ વેચવાને બદલે ખાનગી ઓઈલ કંપનીઓને વિદેશી બજારોમાં જબરદસ્ત રિફાઈનિંગ માર્જિન મળી રહ્યું હતું. સરકારે ઓઈલ કંપનીઓના આ નફા પર ટેક્સ લાદ્યો જેથી કરીને તેઓ સ્થાનિક બજારમાં આ પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવા માટે પ્રેરિત થઈ શકે.