એડ-ટેક કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની શિક્ષકોને વર્ગખંડમાં તેમના અંગત મંતવ્યો શેર કરવાની મંજૂરી આપતી નથી
નવી દિલ્હી
ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનકેડેમીએ કથિત રીતે વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરનાર એક શિક્ષકને કાઢી મુક્યા હતા. શિક્ષક કરણ સાંગવાને વિદ્યાર્થીઓને “શિક્ષિત ઉમેદવારો” ને મત આપવા અપીલ કરી. અનકેડેમીના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂકવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
કરણ સાંગવાને પ્રવચન દરમિયાન કોઈનું નામ લીધા વગર વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે અભણ લોકોને સત્તાના હોદ્દા પર ન બેસાડવા અને આવનારી ચૂંટણીમાં સાક્ષર વ્યક્તિને મત આપો. એડ-ટેક કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની શિક્ષકોને વર્ગખંડમાં તેમના અંગત મંતવ્યો શેર કરવાની મંજૂરી આપતી નથી. ‘અનકેડેમીના કો-ફાઉન્ડર રોમન સૈનીનું કહેવું છે કે સાંગવાને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે, તેથી જ તેની હકાલપટ્ટી કરવામાં આવી છે.
એક્સ પર એક પોસ્ટમાં, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું, “શું શિક્ષિત લોકોને મત આપવા માટે અપીલ કરવી ગુનો છે? જો કોઈ અભણ હોય તો હું તેને અંગત રીતે માન આપું છું. પરંતુ લોકપ્રતિનિધિઓ અભણ ન હોઈ શકે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. અશિક્ષિત જનપ્રતિનિધિઓ ક્યારેય 21મી સદીના આધુનિક ભારતનું નિર્માણ નહીં કરી શકે.”
ત્યારે વિશ્વ હિંદુ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ અનએકેડમીના આ નિર્ણયને યોગ્ય ઠેરવીને સમર્થન કર્યુ છે, તેમણે એક્સ પર લખ્યું કે, અનકેડેમી અનઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, અનએકેડમી દ્વારા સારું કાર્ય કરવામાં આવ્યું છે, અનએકેડમીએ રાષ્ટ્રવિરોધી શિક્ષકને કાઢી મૂક્યો. પ્રશંસનીય નિર્ણય.”
કરણ સાંગવાને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે અને જાહેરાત કરી છે કે તે સમગ્ર વિવાદ અંગે 19 ઓગસ્ટે વિગતવાર પોસ્ટ કરશે. સાંગવાને કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના કારણે હું વિવાદમાં છું અને આ વિવાદને કારણે ન્યાયિક સેવાની પરીક્ષાની તૈયારી કરી રહેલા મારા ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સાથે હું પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું.”