આઈઆઈએમ બ્રિજ પાસે આંગડિયાના કર્મચારી પાસેથી 25 લાખની લૂંટ

Spread the love

બંટી-બબલીએ અકસ્માત કેમ કર્યો કહીને સીજી રોડથી 25 લાખ ભરેલી બેગ લઈને સિંધુભવન રોડ તરફ જતા કર્મીને અટકાવીને લૂંટી લીધો


અમદાવાદ
શહેરમાં પોલીસ મોડી રાત સુધી પેટ્રોલિંગમાં હોવાની ગુલબાંગો ફૂંકાય છે. રાત્રિ ચેકિંગના નામે વાહન ચાલકો સામે કોરડો વિંઝાય છે પરંતુ ગુનાઓ અટકી શકે તેવી કોઈ કાર્યવાહી થતી નથી. શહેરમાં લૂંટના બનાવો વ્યાપક બની રહ્યાં છે. તાજેતરમાં એક વ્યક્તિને બાઈક ચાલક સાથે ઝઘડો થયો હતો ત્યાં બીજો બાઈક ચાલક આવીને તે વ્યક્તિના લાખો રૂપિયા લૂંટીને જતો રહ્યો હતો. આ પ્રકારનો બીજો બનાવ શહેરમાં સામે આવ્યો છે. શહેરના આઇઆઇએમ બ્રિજ પાસે બંટી-બબલીએ અકસ્માત થયો છે, તેમ કહીને આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં 25 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ બંને બંટી બબલીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે આઈઆઈએમ વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી સીજી રોડથી 25 લાખ ભરેલી બેગ લઈને સિંધુભવન રોડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા યુવક-યુવતી તે કેમ અકસ્માત કર્યો એમ કહીને તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. થોડી જ વારમાં બંન્ને યુવક-યુવતીએ આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝપાઝપી કરીને તેની પાસે રહેલી રૂપિયા ભરેલી બેગ સેરવીને ફરાર થઈ ગયા હતા. પોલીસને બનાવની જાણ થતાં જ અલગ-અલગ જગ્યાએ નાકાબંધી કરવામાં આવી હતી. અજાણ્યા યુવક-યુવતીને શોધવા માટે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Total Visiters :222 Total: 1476220

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *