જમ્મુના પુંચ અને રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં આ વર્ષે 21 જવાન શહીદ થયા, કુપવાડામાં ઓપરેશન દરમિયાન એક જેસીઓ અને બે જવાનોનું ઊંડી ખીણમાં પડી જતા મોત
નવી દિલ્હી
જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકીઓ સામે લડતા લડતા ભારતીય સૈન્યના 31 જવાનોએ શહીદી વહોરી હતી. તેમાંથી ત્રણ જવાન પેટ્રોલિંગ મિશન દરમિયાન શહીદ થયા છે જ્યારે જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા એનકાઉન્ટરમાં 28 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં ઘણા એન્કાઉન્ટર થયા હતા. જોકે તેમાં નવમાં જવાનો શહીદ થયા હતા. છ અથડામણ જમ્મુ ડિવિઝનમાં જ્યારે ત્રણ ખીણ વિસ્તારમાં થઇ હતી. જમ્મુના પુંચ અને રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં આ વર્ષે 21 જવાન શહીદ થયા છે જ્યારે ખીણમાં ઓપરેશન દરમિયાન સાત જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ વર્ષે માર્ચ, જૂન, જુલાઈ અને ઓક્ટોબરમાં એક પણ જવાન શહીદ થયા નહોતા. ફેબ્રુઆરીમાં એક જવાન શહીદ થયો હતો. બીજી તરફ એપ્રિલ, મે, નવેમ્બર અને ડિસેમ્બરમાં પાંચ-પાંચ જેટલા જવાન શહીદ થયા હતા. આ સિવાય સપ્ટેમ્બરમાં ચાર અને ઓગસ્ટમાં ત્રણ જવાનો શહીદ થયા હતા.આ વર્ષે જાન્યુઆરીમાં, ઉત્તર કાશ્મીરના કુપવાડામાં ઓપરેશન દરમિયાન એક જેસીઓ અને બે જવાનોનું ઊંડી ખીણમાં પડી જતા મોત નીપજ્યું હતું.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામાના અવંતીપોરામાં થયેલા એન્કાઉન્ટરમાં હિમાચલ પ્રદેશનો એક જવાન શહીદ થયો હતો. 5 એપ્રિલના રોજ પૂંચના ભટ્ટા ધુરિયાનમાં આતંકવાદી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.મે મહિનામાં રાજૌરીમાં આઈઈડી બ્લાસ્ટમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ જવાનો રાજૌરીના જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા.
ઓગસ્ટમાં કુલગામમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 3 જવાન શહીદ થયા હતા. સપ્ટેમ્બરમાં રાજૌરીના નરલા ગામમાં એન્કાઉન્ટરમાં એક સૈનિક અને આર્મી ડોગનું મૃત્યુ થયું હતું. આ સિવાય દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક કર્નલ અને એક મેજર સહિત ત્રણ જવાન શહીદ થયા હતા.નવેમ્બરમાં રાજૌરીના કાલાકોટમાં 30 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં બે કેપ્ટન સહિત 5 આર્મી જવાનો શહીદ થયા હતા.ડિસેમ્બરમાં પૂંચમાં આતંકીઓએ સેનાના બે વાહનોને નિશાન બનાવ્યા હતા. જેમાં 5 જવાન શહીદ થયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા.