હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, ગત મહિને ખાલિસ્તાની સમર્થકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો
ટોરેન્ટો
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક અગ્રણી હિન્દુ ઉદ્યોગપતિના ઘરે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. અહેવાલ અનુસાર આ ઘટના 27 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે બની હતી. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)ના નિવેદન અનુસાર જે બિઝનેસમેનના ઘરે ગોળીબાર થયો હતો તે સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારનો મોટો પુત્ર છે.
સતીશ કુમારે જણાવ્યું કે તેમના ઘર પર 11 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગત મહિને ખાલિસ્તાની સમર્થકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. ખરેખર જ્યારે ભારતીય દૂતાવાસના અધિકારીઓ મંદિરે આવ્યા હતા ત્યારે શીખ ફોર જસ્ટિસના સમર્થકોએ ત્યાં હોબાળો મચાવ્યો હતો. ત્યારે મંદિરના પ્રમુખ સતીશ કુમારે કહ્યું હતું કે ખાલિસ્તાની સમર્થકોની સંખ્યા 25 હતી અને હિંદુ મંદિરમાં 200 લોકો હતા તેથી મામલો થાળે પડી ગયો હતો. આ ઘટનાના એક મહિના બાદ સતીશ કુમારના મોટા પુત્રના ઘરે ફાયરિંગ થયું હતું.