આમ આદમી પાર્ટીઓ માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય રાજનીતિમાં ખૂબ જ પ્રભાવશાળી એન્ટ્રી કરી હોવાનો દાવો
નવી દિલ્હી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવ અને 12મી નેશનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બંને બેઠકોમાં દેશભરના પાર્ટીના અધિકારીઓએ ભાગ લીધો હતો. જ્યારે પંજાબના સીએમ ભગવંત માન અને રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો. સંદીપ પાઠક ખુદ હાજર રહ્યા હતા.
આ દરમિયાન આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ સફળતા મળી છે. અમે એ કામ કરી બતાવ્યુ છે જે અન્ય પાર્ટીઓ 75 વર્ષમાં પણ ન કરી શકી. છેલ્લા બે વર્ષમાં પંજાબમાં કરવામાં આવેલા ‘આપ’ સરકારના કામ એ દર્શાવે છે કે જો પૂર્ણ રાજ્યમાં અમારી સરકાર બને તો અમે ખૂબ જ ઝડપથી કામ કરી શકીએ છીએ.
સીએમ કેજરીવાલે આગળ કહ્યું કે, આમ આદમી પાર્ટીઓ માત્ર 10 વર્ષમાં રાષ્ટ્રીય રાજનીતિમાં ખૂબ જ પ્રભાવશાળી એન્ટ્રી કરી છે. દેશમાં પહેલી વખત વિરોધી પક્ષો શાળા-હોસ્પિટલના મુદ્દાઓ પર વાત કરવા મજબૂર બન્યા છે. હવે તો આ લોકોએ અમારા શબ્દ ‘ગેરંટી’ અને ‘મેનિફેસ્ટો’ પણ ચોરી લીધા છે. હવે એ લોકો પણ ‘મોદીની ગેરંટી’ અને ‘કોંગ્રેસની ગેરંટી’ કહેવા લાગ્યા છે. આ લોકોએ જનતાને ગેરંટી તો આપી પરંતુ કોઈએ તે ગેરેંટી પૂરી ન કરી. કારણ કે તેમનો ઈરાદો સારો ન હતો જ્યારે અમે અમારી બધી ગેરંટી પૂરી કરી રહ્યા છીએ. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે અમારા પાંચ નેતાઓ જે જેલમાં છે તે અમારા હીરો છે અને અમને તેમના પર ગર્વ છે. જો તમે બાળકોને સારું શિક્ષણ આપવાની અને ગરીબોને મફત સારવાર આપવાની વાત કરો છો તો તમારે જેલમાં જવું જ પડશે અને આપણે આ માટે તૈયાર રહેવું પડશે.
કેજરીવાલે આગળ કહ્યું કે, દેશમાં પહેલી વખત જનતાને આમ આદમી પાર્ટીના રૂપમાં યોગ્ય વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટીએ 12 વર્ષમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. તેનું એકમાત્ર કારણ એ છે કે, 75 વર્ષમાં બીજી પાર્ટીઓ જે નથી કરી શકી તે અમે કરી બતાવ્યું છે. દેશમાં પહેલી વખત લોકોને આ પાર્ટીઓનો એક યોગ્ય વિકલ્પ મળ્યો છે અને લોકોને કામની રાજનીતિ પસંદ આવવા લાગી છે. છેલ્લા 75 વર્ષથી આ બંને પક્ષોએ પંજાબમાં એક પછી એક શાસન કર્યું અને રાજ્યને એવું બનાવી દીધું કે યુવાનો, વેપારીઓ, લોકો અને ખેડૂતો બધા દુ:ખી હતા. પંજાબમાં બે વર્ષમાં જે કામ થયું છે તે દર્શાવે છે કે જો આખા રાજ્યમાં અમારી સરકાર હોય તો આમ આદમી પાર્ટી કેટલી ઝડપથી કામ કરી શકે છે. અમે 8-9 વર્ષમાં દિલ્હીમાં જેટલું કામ કર્યું હતું તેના કરતાં આજે પંજાબના ઘણા વિસ્તારોમાં વધુ કામ થઈ ચૂક્યા છે.