યુએઈના પાસપોર્ટ ધારકોને દુનિયાના 130 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. યુએઈનો મોબિલિટી સ્કોર 180 ગણવામાં આવ્યો
નવી દિલ્હી
નવુ વર્ષ શરૂ થતા જ દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ પણ જાહેર થયુ છે. લેટેસ્ટ રેન્કિંગમાં યુએઈએ સૌથી સારો દેખાવ કર્યો છે અને પાકિસ્તાનનો પાસપોર્ટ રેન્કિંગમાં વધારે નીચે ગયો છે.
યુએઈના પાસપોર્ટને દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો દરજ્જો મળ્યો છે. યુએઈના પાસપોર્ટ ધારકોને દુનિયાના 130 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. યુએઈનો મોબિલિટી સ્કોર 180 ગણવામાં આવ્યો છે. તેની સામે પાકિસ્તાનને 47 મોબિલિટી સ્કોર મળ્યો છે. પાકિસ્તાનના પાસપોર્ટને આ રેન્કિંગમાં છેલ્લેથી પાંચમુ સ્થાન મળ્યુ છે. ભારતીય પાસપોર્ટ 77મા સ્થાને છે.
ગ્લોબલ સિટિઝનશિપ ફાઈનાન્સિયલ એડવાઈઝરી કંપની દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, યુએઈના પાસપોર્ટ ધારકોને 130 દેશોમાં વિઝા લીધા વગર યાત્રા કરવાની છૂટ છે. જ્યારે 50 દેશો યુએઈના નાગરિકોને વિઝા ઓન એરાઈવલ આપે છે. આમ યુએઈનો પાસપોર્ટ અત્યારે લિસ્ટમાં પહેલા ક્રમે છે. જેની પાછળ યુએઈ સરકારની ડિપ્લોમસી જવાબદાર છે.
આ લિસ્ટમાં બીજા ક્રમે જર્મની, સ્પેન, ફ્રાંસ, નેધરલેન્ડ અને ઈટાલીના પાસપોર્ટ છે. આ તમામ દેશોને 178 મોબિલિટી સ્કોર મળ્યો છે. જેનો અર્થ એ થયો કે, આ દેશના નાગરિકો દુનિયાના 178 દેશમાં વિઝા ફ્રી અથવા તો વિઝા ઓન એરવાઈલ એન્ટ્રીની સુવિધા મેળવે છે.
જ્યારે ત્રીજા ક્રમે સ્વીડન ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝરલેન્ડના પાસપોર્ટ છે. જેના નાગરિકોને 177 દેશમાં જવાની પરવાનગી છે.
પાકિસ્તાનનો પાસપોર્ટ ધરાવતા લોકો દુનિયામાં માત્ર 11 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. આ લિસ્ટમાં પાકિસ્તાનનો પાસપોર્ટ માત્ર સોમાલિયા, અફગાનિસ્તાન, ઈરાક અને યુધ્ધ ગ્રસ્ત સિરિયાથી જ ઉપર છે. પાકિસ્તાનની કંગાળ હાલત અને આતંકવાદી દેશની ઈમેજના કારણે પાકિસ્તાની પાસપોર્ટની પણ પ્રતિષ્ઠાનુ ધોવાણ થઈ ગયુ છે.
ભારતના પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 77 છે. ભારતીય નાગરિકોને 26 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે અને 51 દેશોમાં વિઝા ઓન એરાઈવલની સુવિધા છે. 121 દેશો એવા છે જયાં જવા માટે ભારતીય પાસપોર્ટ ધારકોએ પહેલેથી વિઝા લેવા પડે છે.