કેજરીવાલ પાર્ટી કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને સંબોધશે
નવી દિલ્હી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હીની એક્સાઈઝ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં હાજર થવા ત્રીજીવાર સમન્સ મોકલ્યા હતા તેમ છતાં તેઓ ઈડી સમક્ષ હાજર નહોતા થયા ત્યારે તેની સામે આકરા પગલા લેવામાં આવી શકે છે અને પાર્ટીએ દાવો કર્યો છે કે તેની ગમે તે સમયે ધરપકડ કરવામાં આવી શકે છે ત્યારે આ વચ્ચે કેજરીવાલ આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે જ્યાં તેઓ પાર્ટી કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને સંબોધશે.
દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજનાર છે અન આ માટે દરેક રાજકીય પક્ષ તૈયારી કરી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ તેઓ આગમી 6,7, અને 8 તારીખે ગુજરાત આવશે અને પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે તેમજ એક જાહેરસભાને પણ સંબોધન કરશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જેલમાં બંધ ગુજરાતના આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવાને મળી શકે છે તેમજ તેમના પરિવાર સાથે મુલાકાત કરવાની સંભાવના છે.
આ પહેલા દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે સોશિયલ મીડિયા એક્સપર પોસ્ટ કરતા દાવો કર્યો હતો સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે આજે ઈડીની રેડ પડી શકે છે જેના બાદ તેમની ધરપકડ થઈ શકે છે ત્યારે આ સમાચાર વચ્ચે આજે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.