શેખ હસીના પાંચમી વખત વડાંપ્રધાન બનશે, બાંગ્લાદેશ રાષ્ટ્રીય પાર્ટીએ ચાર બેઠકો જીતી, અપક્ષોએ 62 બેઠકો જીતી
ઢાકા
બાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાંપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગે 300માંથી બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી લીધી છે. શેખ હસીના પાંચમી વખત વડાંપ્રધાન બનશે. તેઓ 2009થી વડાંપ્રધાન પદે જળવાઈ રહ્યા છે. આ પહેલા શેખ હસીના 1991 થી 1996 સુધી પણ વડાંપ્રધાન રહ્યા હતા.
અત્યાર સુધીની મત ગણતરીમાં શેખ હસીનાની પાર્ટી આવામી લીગે 300 સંસદીય બેઠકોમાંથી 224 બેઠકો જીતી લીધી હતી. જ્યારે બાંગ્લાદેશ રાષ્ટ્રીય પાર્ટીએ ચાર બેઠકો જીતી હતી. અપક્ષોએ 62 બેઠકો જીતી હતી જ્યારે અન્યના ખાતામાં એક બેઠક આવી હતી. આ દરમિયાન, બાકીની બે બેઠકો માટે હજુ મતગણતરી ચાલી રહી છે.
શેખ હસીનાએ તેમની સંસદીય સીટ ગોપાલગંજ-3 પરથી ભારે માર્જિનથી જીત્યાં હતાં. તેમને 2,49,965 મત મળ્યા. જ્યારે તેમના નજીકના હરીફ એમ. નિઝામઉદ્દીન લશ્કરને માત્ર 469 મત મળ્યા હતા. શેખ હસીનાએ 1986 પછી આઠમી વખત ગોપાલગંજ-3થી ચૂંટણી જીતી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે ફક્ત 40 ટકા વોટિંગ જ થયું હતું