પોલીસે તેની ધરપકડ કરી લીધી છે, મહિલા પાસેથી તેના દીકરાનો મૃતદેહ મળી આવ્યો
ગોવા
કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. જેમાં એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીની મહિલા સીઈઓએ પોતાના 4 વર્ષના દીકરાની હત્યા કરી નાખી છે. મહિલા દીકરાની લાશને બેગમાં લઈને ગોવાથી કર્ણાટક જઈ રહી હતી પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. મહિલા પાસેથી તેના દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે.
આ મામલે પોલીસે જણાવ્યું કે, આરોપી મહિલા સૂચના શેઠના લગ્ન 2010માં થયા હતા. 2019માં તેણે એક પુત્રને જન્મ આપ્યો અને 2020માં તેનો તેના પતિ સાથે વિવાદ શરૂ થઈ ગયો હતો. આ મામલો કોર્ટ પહોંચ્યો અને ત્યારબાદ બંનેએ ડિવોર્સ લઈ લીધા. કોર્ટે આદેશ આપ્યો હતો કે, બાળકનો પિતા તેને દીકરાને રવિવારે મળી શકશે.
કોર્ટના આ આદેશ બાદ આરોપી મહિલા પ્રેશરમાં આવી ગઈ કારણ કે, તે નહોતી ઈચ્છતી કે, તેનો પતિ તેના દીકરા સાથે મુલાકાત કરે. તેથી પ્લાન હેઠળ આરોપી મહિલા શનિવારે દીકરાને સાથે લઈને ગોવા ગઈ અને હોટેલમાં હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મહિલા ઈચ્છતી હતી કે, તેનો પતિ તેના દીકરા સાથે મુલાકાત ન કરે તેથી એટલા માટે તેણે દીકરાની જ હત્યા કરી નાખી.
ગોવાની જે હોટેલમાં મહિલા રોકાઈ હતી ત્યાં તે પોતાના 4 વર્ષના બાળકને પણ સાથે લઈને આવી હતી પરંતુ જ્યારે મહિલા હોટેલ છોડીને ગઈ તો તેની સાથે તેનો દીકરો નહોતો. મહિલાને એકલી જતા જોયા બાદ હોટેલ સ્ટાફને તેના પર શંકા ગઈ. મહિલા જે ટેક્સીથી ગઈ તે ટેક્સી લોકલ હતી તેથી હોટેલ સ્ટાફે ટેક્સી ડ્રાઈવરને ફોન કરીને મહિલા વિશે પૂછ્યું. ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું કે, મહિલા ટેક્સીમાં એકલી જ છે. ત્યારબાદ હોટેલ સ્ટાફે પોલીસને ફોન કરીને સમગ્ર માહિતી આપી. ત્યારબાદ પોલીસે કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી મહિલાની ધરપકડ કરી લીધી. મહિલાની બેગમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો.
મહિલાએ ગોવાના કેન્ડોલિમમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગોવાના ડીજીપી જસપાલ સિંહે મહિલાની પોતાના જ દીકરાની હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. ગોવા ક્રાઈમ એસપી આ મામલે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સમાં કરીને બાકીની માહિતી શેર કરશે.