ખેલાડી અને કોચ તરીકે બેકનબાઉરે જર્મનીને 2 વખત વિશ્વ વિજેતા બનાવ્યું, 1974માં પશ્ચિમ જર્મની વિશ્વ વિજેતા બન્યું ત્યારે તેઓ ટીમના કેપ્ટન હતા
બર્લિન
ફૂટબોલ જગતથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જર્મનીના મહાન ફૂટબોલર ફ્રાન્ઝ બેકનબાઉરનું રવિવારના રોજ 78 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓએ ખેલાડી અને કોચ તરીકે જર્મનીને 2 વખત વિશ્વ વિજેતા બનાવ્યું હતું. વર્ષ 1974માં પશ્ચિમ જર્મની જયારે વિશ્વ વિજેતા બન્યું ત્યારે તે ટીમના કેપ્ટન હતા અને વર્ષ 1990માં જર્મની લોથાર મથાયસની કેપ્ટનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે તે ટીમના મેનેજર હતા.
ફૂટબોલ અને મેનેજર તરીકે બેકનબાઉર જર્મની સાથે 5 વર્લ્ડકપમાં હતા જેમાંથી ચારમાં પશ્ચિમ જર્મની ફાઈનલમાં પહોંચ્યું જયારે 2 વખત ચેમ્પિયન બન્યું હતું. તેઓએ વર્ષ 1972માં પશ્ચિમ જર્મની સાથે યૂરોપિયન ચેમ્પિયનશીપ પણ જીતી હતી.
બેકનબાઉરે પોતાના કરિયરમાં પશ્ચિમ જર્મની માટે 104 કેપ્સ અને બેયર્ન મ્યુનિક માટે 400 થી વધુ કેપ્સ જીતી હતી. બેકનબાઉર 1964 અને 1977 વચ્ચે બાવેરિયન ક્લબ માટે રમ્યા હતા. આ 13 વર્ષોમાં, 1973-74, 1974-75 અને 1975-76માં તે બેયર્ન ટીમનો ભાગ હતા જેણે સતત ત્રણ વખત યુરોપિયન કપ ટાઇટલ જીતી હતી, જે હવે યુઈએફએ ચેમ્પિયન્સ લીગ તરીકે ઓળખાય છે. તેઓએ વર્ષ 1966-67માં એક ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ અને એક યુરોપિયન કપ સાથે પાંચ જર્મન લીગ ટાઇટલ અને પાંચ જર્મન કપ પણ જીત્યા હતા.
વર્ષ 1984માં જયારે તે ફૂટબોલમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમને પશ્ચિમ જર્મની ટીમના કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમનાં માર્ગદર્શન હેઠળ પશ્ચિમ જર્મની વર્ષ 1986ના વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી જ્યાં તેમની ટક્કર મેરાડોનાના નેતૃત્વવાળી ટીમ આર્જેન્ટિના સાથે થઇ હતી. આ ફાઈનલ મેચમાં પશ્ચિમ જર્મનીને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1990માં ફરી એકવાર વર્લ્ડકપની ફાઈનલમાં બંને ટીમોનો સામનો થયો, પરંતુ બ્રેહમેના ગોલના કારણ પશ્ચિમ જર્મની આર્જેન્ટિનાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું હતું.
બેકનબાઉર પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો હતો. વર્ષ 2006ના વર્લ્ડકપની યજમાની અપાવવામાં તેમનો હાથ હતો પરંતુ તેમનાં પર લાંચ આપીને યજમાની મેળવવાનો આરોપ હતો. જો કે વર્ષ 2016માં બેકનબાઉરે એક કોલમમાં આ આરોપોને નકારતા લખ્યું હતું કે તેઓએ આવું કઈ કર્યું નથી. વર્ષ 2014માં તેમને ફિફાના એથિક્સ કમિશન દ્વારા 90 દિવસ માટે કોઈપણ ફૂટબોલ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. બાદમાં તપાસમાં સહકાર ન આપવા બદલ તેમને 7,000 સ્વિસ ફ્રેંકનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. વર્ષ 2021 ફિફાએ આ તપાસ બંધ કરી દીધી હતી.