9 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો
આગરા
દેશમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક રોડ અકસ્માતની દુર્ધટના બની છે જેમાં એક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે લગભગ 20 વાહનોને હડફેટે લીધા હતા, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ હાઈવે નંબર 19 પર શાકભાજીની માર્કેટ પાસે પોલીસના બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, જ્યાંથી એક પછી વાહનો એક ધીરે – ધીરે પસાર થઈ રહ્યા હતા ત્યારે મથુરા તરફથી પુરપાટ ઝડપથી આવી રહેલા ટ્રકે આગળ ચાલી રહેલા 20 વાહનોને કચડી નાખ્યા હતા. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલકે ઘટનાસ્થળેથી ભાગવનો પ્રયાસ કર્યો હતો, જો કે સ્થળ પર હાજર લોકોએ તેને ઝડપી લીધો હતો અને મેથીપાક ચખાડ્યો હતો.
આ પછી ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે તેમને શંકા છે કે ટ્રક ચાલક નશામાં હતો. આ ઉપરાંત કહ્યું હતું કે હજુ સુધી મૃતકો તેમજ ઘાયલોની ઓળખ થઈ શકી નથી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રક આગળ ઉભેલા વાહનોને કચડીને આગળ જાય છે.