અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ વિમાન સેવા શરૂ કરતા અનેક સંતો-ભક્તો અયોધ્યા જઈને રામલલાના દર્શન કરી શકશે
અમદાવાદ
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલાનો અભિષેક કરાશે,જેમાં ભક્તો ભાગ લઇ શકે તે માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદ એરપોર્ટ પરથી 150 પ્રવાસી સાથેની અયોધ્યાની પહેલી ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ પ્રસંગે અયોધ્યા જતા રામભક્તોએ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષામાં ‘જય શ્રી રામ’ના નારા લગાવીને કેક કાપીને ઉજવણી કરી હતી.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધીની વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. આજે અમદાવાદથી અયોધ્યા જવા પહોંચેલા મુસાફરોએ ફ્લાઇટની ઉડાન પહેલા ક્રૂ મેમ્બરને મીઠાઇ ખવડાવી હતી. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ ફ્લાઇટને શરૂ કરવામાં આવી છે, અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ વિમાન સેવા શરૂ કરતા અનેક સંતો-ભક્તો અયોધ્યા જઈને રામલલાના દર્શન કરી શકશે.
આ સાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ પણ મોટા સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે ગુજરાતથી પણ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, રેલવે દ્વારા અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, સુરત અને રાજકોટથી ‘આસ્થા ટ્રેન’ દોડાવાશે.
ઈન્દોર-અયોધ્યા-ઈન્દોરટ્રેન 3 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ભાવનગર-અયોધ્યા-ભાવનગર 9 ફેબ્રુઆરીથી, રાજકોટ-અયોધ્યા-રાજકોટ 10 ફેબ્રુઆરીથી, અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ 10 ફેબ્રુઆરીથી અને સુરત-અયોધ્યા-સુરત 10 ફેબ્રુઆરીથી શરૂ થશે.