છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું
બેઈજિંગ
ચીનમાં પહેલી જાન્યુઆરી 2024થી અત્યાર સુધી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે ચીને ચેતવણી આપી છે કે, કોરોના સંક્રમણના વધી શકે છે. ચીનની સરકારે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
ચીનની નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,’ ચીનની હોસ્પિટલોમાં હાલમાં તાવના ઓછા દર્દીઓ છે, પરંતુ શ્વાસ સંબંધી બીમારી જેમકે ઈન્ફલ્યુએન્ઝા અને કોરોનાનું જોખમ હજુ પણ મંડરાઈ રહ્યું છે. દેશમાં ઈન્ફલ્યુએન્ઝાનું સંક્રમણ ઓક્ટોબરથી શરૂ થયો હતો. દક્ષિણ પ્રાંતોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં 36.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઉત્તરીય રાજ્યોમાં કેસોમાં 57 ટકાનો વધારો થયો છે. ઘણાં કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે જે દર્દીઓ ઈન્ફ્લુએન્ઝા એ વાયરસથી સંક્રમિત હતા તેઓ પણ ઈન્ફ્લુએન્ઝા બી વાયરસથી સંક્રમિત થયા હતા. આનો અર્થ એ થયો કે ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમણના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી. ત્યારે એવી સંભાવના છે કે નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો પણ કોરોના સંક્રમણનો શિકાર બની શકે છે.’
ઇન્ડિયન સાર્સ-કોવ-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (ઈન્સાકોગ)ના રિપોર્ટ અનુસાર,ભારતમાં શનિવાર સુધી કોરોનાના નવા સબવેરિયન્ટ જેએન.1ના કુલ 1200 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જેએન.1ના કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું અને લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને લોકોથી અંતર જાળવવા સૂચના આપી હતી.