દેશમાં કોરોના સબ-વેરિયન્ટ જેએન.1ના કુલ કેસોની સંખ્યા હવે 1,226 છે
નવી દિલ્હી
ભારતમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 841 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ કોસમાં વધારો જોવા મળ્યો નથી. કુલ સક્રિય કેસમાંથી મોટાભાગના (લગભગ 92 ટકા) સેલ્ફ આઈસોલેશન અને સામાન્ય સારવારથી સ્વસ્થ થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, કોરોના સક્રિય કેસ હવે 21 ડિસેમ્બર, 2023 બાદ સૌથી નીચા સ્તરે આવી ગયા છે. આજે દેશમાં એક દિવસમાં 355 નવા કેસની પુષ્ટિ થઈ છે અને સક્રિય કેસોની સંખ્યા 2,331 છે.
ગઈકાલે ઈન્ડિયન સાર્સ-કોવ-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (ઈન્સાકોગ) દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં કોરોના સબ-વેરિયન્ટ જેએન.1ના કુલ કેસોની સંખ્યા હવે 1,226 છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેએન.1 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યો છે. કર્ણાટકમાં જેએન.1ના 234, આંધ્રપ્રદેશ 189, મહારાષ્ટ્ર 170, કેરળ 156, પશ્ચિમ બંગાળ 96, ગોવા 90, તમિલનાડુ 88, ગુજરાત 76, રાજસ્થાન 37, તેલંગણા 32, છત્તીસગઢ 25, દિલ્હી 16, ઉત્તર પ્રદેશ 07, હરિયાણા 05, ઓડિશા 03, ઉત્તરાખંડ 01 અને નાગાલેન્ડમાં 01 કેસ નોંધાય છે.
દેશમાં જેએન.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (ઓમિક્રોન)નો સબ-વેરિયન્ટ બીએ.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ બીએ.2.86 જ હતો. બીએ.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, બીએ.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ જેએન.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, જેએન.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (સીડીસી)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.