બેરોજગારી, એમએસપી ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવશે
લખનૌ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતની આગેવાની હેઠળ ખેડૂતોની અનેક માંગણીઓ અંગે એડીએમ વહીવટીતંત્રને એક આવેદન આપીને મહાપંચાયતનું સમાપન કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકૈતે સરકારને ઘેરતા કહ્યું કે સરકાર ખેડૂતોને નબળા પાડવાનું કામ કરી રહી છે. મહા પંચાયતમાં શેરડીના ભાવ, મફત વીજળી વગેરે જેવા ખેડૂતોના મુદ્દાને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાકેશ ટિકૈતે જગાહેડી ટોલ પર ચાલી રહેલી ભારતીય કિસાન યુનિયનની મહાપંચાયતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે કહ્યું હતું કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢીશું. આ સિવાય યુનાઈટેડ કિસાન મોરચા (એસકેએમ)ના આહ્વાન પર 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. ખેડૂતો પણ આ બંધના એલાનમાં જોડાશે. અમે દુકાનદારોને 16મી ફેબ્રુઆરીએ તેમની દુકાનો ન ખોલવાની પણ અપીલ કરી છે. આ ઉપરાંત બેરોજગારી, એમએસપી ગેરંટી એક્ટ, પેન્શન, અગ્નિવીર જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે.
આ પછી ખેડૂતોની અનેક માંગણીઓને લઈને મુખ્યમંત્રીના નામે એડીએમ વહીવટીતંત્રને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે પીન્ના હાઈવે પર અંડરપાસ કે બ્રિજ બનાવવાને લઈને ખેડૂતો ઘણાં સમયથી વિરોધ કરી રહ્યા છે જેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. આ સિવાય શેરડીનો ભાવ 450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરતા ઓછો સ્વીકારાશે નહીં. આ ઉપરાંત મફત વીજળીની જાહેરાત છતાં પણ ખેડૂતોને બિલ ભરવા પડે છે અને નવા કનેક્શન પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. ખેડૂતોને ડીઝલ, સાધનો, ખાતર અને બિયારણ પર છૂટની વ્યવસ્થા હોવી જોઈએ.