આ શોપમાંથી શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે
રિયાધ
સાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર લીકર શોપ ખોલવા જઈ રહી છે. આ લીકર શોપ રાજધાની રિયાધમાં ખોલવામાં આવશે જ્યાં માત્ર બિન-મુસ્લિમ રાજદ્વારીઓને જ શરાબ વેચવામાં આવશે. બુધવારે એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે આ સામાજિક ઉદારીકરણ તરફનું બીજું પગલું છે.
રિયાધમાં આ લીકર શોપ એવા સમયે ખોલવા જઈ રહી છે જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેની અર્થવ્યવસ્થાને ક્રૂડ ઓઈલથી ધીમે ધીમે દૂર કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓના ભાગરૂપે રાજ્યને પ્રવાસન અને વેપારના કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ શોપમાંથી શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી તેમને વિદેશ મંત્રાલય તરફથી ક્લિયરન્સ કોડ મેળવવો પડશે, ત્યારબાદ ગ્રાહક શોપમાંથી શરાબની ખરીદી કરી શકશે. જો કે, ગ્રાહક દર મહિને એક નિયત ક્વોટા હેઠળ જ દારૂ ખરીદી શક્શે. ઉલ્લેખનીય છે કે ઇસ્લામમાં દારૂ પીવાને હરામ માનવામાં આવે છે. પરંતુ સાઉદી સરકાર દેશમાં પ્રવાસન અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે તેના અતિ-રૂઢિચુસ્ત વલણમાં બદલાવ કરીને આ લીકર શોપ ખોલી રહી છે. આ શોપ રિયાધના ડિપ્લોમેટિક ક્વાર્ટરમાં જ હશે જ્યાં ઘણા દેશોના દૂતાવાસ છે અને આ વિસ્તારમાં રાજદ્વારીઓ રહે છે.
સાઉદી અરેબિયાએ 1950ના દાયકાની શરૂઆતથી શરાબ પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયાના સ્થાપક અને તત્કાલિન રાજા અબ્દુલ અઝીઝે 1951ની એક ઘટના બાદ શરાબનું વેચાણ અટકાવી દીધું હતું, જેમાં તેમના એક પુત્ર, પ્રિન્સ મિશારીએ નશામાં ધૂત થઈને જેદ્દાહમાં બ્રિટિશ વાઇસ કોન્સુલ સિરિલ ઉસ્માનને મારવા માટે બંદૂકનો ઉપયોગ કર્યો હતો. સંયુક્ત આરબ અમીરાતમાં સાઉદી અરેબિયા તેના પડોશી દેશો કુવૈત અને શારજાહ સાથે શરાબ પર પ્રતિબંધ મૂકનારા વિશ્વના કેટલાક દેશોમાંનો એક છે.