જસ્ટિસ વરાલેની નિયુક્તિ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ફરી એક વખત 34 થઈ જશે
નવી દિલ્હી
કેન્દ્ર સરકારે ગઈકાલે કોલેજિયમની ભલામણને મંજૂરી આપતા કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પ્રમોટ કરવાની નોટિફિકેશન જારી કરી દીધી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં ત્રણ દલિત જજ થઈ જશે.
આ સંદર્ભમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે સરકારે ભારતના રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પીબી વરાલેને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણને લીલી ઝંડી આપી દીધી છે.
જસ્ટિસ વરાલેની નિયુક્તિ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ફરી એક વખત 34 થઈ જશે. ગત વર્ષની 25 ડિસેમ્બરે જસ્ટિસ સંજય કિશન કૌલની નિવૃત્તિ બાદથી સુપ્રીમ કોર્ટમાં એક જજની કમી હતી.
ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 19 જાન્યુઆરીના રોજ જસ્ટિસ વરાલેની પ્રમોશનની ભલામણ કરી હતી. કોલેજિયમે કહ્યું હતું કે જસ્ટિસ વરાલે બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે ઘણો અનુભવ મેળવ્યો છે. ત્યારબાદ તેઓ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
તેમના નામની ભલામણ કરતી વખતે કોલેજિયમે ધ્યાનમાં રાખ્યું હતું કે, હાઈકોર્ટના જજોમાં તેઓ દલિત સમાજના સૌથી વરિષ્ઠ જજ છે. જસ્ટિસ વરાલેના પ્રમોશન સાથે પ્રથમ વખત સુપ્રીમ કોર્ટને ત્રણ દલિત જજ મળશે. વરાલે ઉપરાંત જસ્ટિસ ગવઈ અને સીટી રવિકુમાર પણ અનુસૂચિત જાતિના છે.