કોંગ્રેસના ક્વોટામાંથી આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
રાંચી
ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્યમંત્રીની તાજપોશી થઇ ચૂકી છે. ચંપઈ સોરેને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સિવાય કોંગ્રેસના ક્વોટામાંથી આલમગીર આલમ અને આરજેડી ક્વોટામાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને આ શપથ અપાવ્યાં હતા.
નવી સરકારને 10 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે. આ દરમિયાન એવા અહેવાલ છે કે હોર્સ ટ્રેડિંગથી બચવા માટે શાસક ગઠબંધનના ધારાસભ્યોને બે દિવસ માટે હૈદરાબાદ ખસેડવામાં આવી રહ્યા છે. આ ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા મોકલવામાં આવ્યા હતા.
અગાઉ ચંપઈ અને ગઠબંધન નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ બુધવારે રાત્રે 9 વાગ્યે રાજ્યપાલને મળવા ગયા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ રાજ્યપાલ શપથ ગ્રહણ માટે સમય આપી રહ્યા નહોતા. ઝારખંડમાં નવા સીએમની પસંદગીની પ્રક્રિયા ત્યારે શરૂ થઈ જ્યારે ઈડી એ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ઝારખંડ સરકારમાં સત્તાધારી ગઠબંધનના 35 ધારાસભ્યો હૈદરાબાદ રવાના થઇ ગયા છે. જોકે કેટલાક ધારાસભ્યોએ જવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય આજે ઝારખંડમાં પ્રવેશી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીના કેટલાક ધારાસભ્યો આ યાત્રામાં ભાગ લેશે. ચંપઈ સોરેને નવી સરકારની રચના અંગે રાજ્યપાલને 43 ધારાસભ્યો તરફથી સમર્થનનો પત્ર સુપરત કર્યો હતો.