કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટ સર્વાનુમતે જ કોઈ નિર્ણય કરે છે એટલા માટે પાકિસ્તાનના કારણે ભારતનો આ પ્રોગ્રામ અટવાઈ ગયો હતો
જિનિવા
પાકિસ્તાને તેની ગંદી રમત રમવાનું ચાલુ રાખ્યું છે. જિનિવામાં આયોજિત કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટમાં ભારત દ્વારા અધ્યક્ષ તરીકે બહુ આયામી વાટાઘાટોનું મંચ તૈયાર કરવા 2024 પ્રોગ્રામ ઓફ વર્ક નામે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં ફિસાઈલ-મટીરિયલ કટ ઓફ ટ્રીટી (એફએમસીટી)નો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં પાકિસ્તાને અડંગો નાખ્યો હતો જેના લીધે પ્રસ્તાવ અટકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટ સર્વાનુમતે જ કોઈ નિર્ણય કરે છે એટલા માટે પાકિસ્તાનના કારણે ભારતનો આ પ્રોગ્રામ અટવાઈ ગયો હતો.
એક વરિષ્ઠ ડિસઆર્મમેન્ટ ડિપ્લોમેટે કહ્યું કે કોઈ વ્યાજબી કારણ વિના જ પાકિસ્તાન દ્વારા 2024 પ્રોગ્રામ ઓફ વર્ક પ્રસ્તાવને રોકવો એ પાકિસ્તાનના બદઈરાદા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં 21 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટની અધ્યક્ષતા ભારત પાસે છે. અગાઉ 2022માં પ્રોગ્રામ ઓફ વર્કનો પ્રસ્તાવ કોન્ફરન્સ ઓફ ડિસઆર્મમેન્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.
એક અહેવાલ અનુસાર નિ:શસ્ત્રીકરણ અને હથિયારોને નિયંત્રિત કરવાના કામમાં ફરી એકવાર અડંગો નાખ્યો હતો અને તે અગાઉ પણ આવું જ કરતો આવ્યો છે. પાકિસ્તાન દાવો કરે છે કે તે એફએમસીટી પર હસ્તાક્ષર કરવાનો વિરોધ એટલા માટે કરે છે કેમ કે તેનાથી ભારત સાથેની તેની સૈન્ય સ્થિતિ પ્રભાવિત થશે.