આ ઈજા બાદ શિવમ દુબે હવે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે, જ્યાં ફિટનેસ મેળવ્યા બાદ તે રિહેબમાંથી પસાર થશે
નવી દિલ્હી
ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલ 2024 પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. ચેન્નઈનો સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે રણજી ટ્રોફીની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને કારણે તે રણજી ટ્રોફી 2024ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. શિવમ દુબે આ સમયે શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. આસામ સામે મુંબઈની તાજેતરની મેચમાં બેટિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. તે મેચમાં શિવમે 121 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈજા હોવા છતાં દુબેની વર્તમાન રણજી સિઝન શાનદાર રહી છે, તેણે 5 મેચોમાં 407 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને બે ફિફ્ટી સામેલ છે. આ દરમિયાન તેણે 12 વિકેટ પણ લીધી હતી.
હાલ શિવમ દુબેની ઈજા અંગે ચેન્નઈ સુપર કિંગ્સ અથવા મુંબઈ રણજી ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ તે નિશ્ચિત છે કે તે 22 માર્ચથી શરૂ થનારી આઈપીએલના પ્રથમ રાઉન્ડની કેટલીક મેચમાંથી બહાર થઈ શકે છે. આ ઈજા બાદ શિવમ દુબે હવે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે, જ્યાં ફિટનેસ મેળવ્યા બાદ તે રિહેબમાંથી પસાર થશે.
હવે સવાલ એ થાય છે કે શિવમ દુબેની જગ્યાએ ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કયા ખેલાડીને ટીમમાં તક આપશે? સંભવિત રિપ્લેસમેન્ટ ખેલાડીઓની વાત કરીએ તો અંડર-19ના યુવા ઓલરાઉન્ડર મુશીર ખાન પર સીએસકે નજર હોઈ શકે છે.
શિવમ દુબેએ ભારત માટે છેલ્લી ત્રણ ટી20આઈ મેચોમાં બે મેચ-વિનિંગ ફિફ્ટી ફટકારી છે. આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયા બાદથી શિવમ દુબેની રમતમાં ઘણો સુધારો થયો છે. તે છેલ્લી બે સિઝનથી સીએસકે માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે.