સંયુક્ત સુરક્ષા સચિવ સંસદ ભવનની સિક્યોરિટી સર્વિસના પ્રમુખ હોય છે, આઈપીએસ અગ્રવાલ 3 વર્ષ સુધી સંયુક્ત સચિવ સુરક્ષાના પદ પર રહેશે
નવી દિલ્હી
સંસદની સુરક્ષામાં ચૂકના લગભગ 3 મહિના બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપી છે. ઓમ બિરલાએ આઈપીએસ અગ્રવાલને સંસદ ભવનમાં સંયુક્ત સચિવ સુરક્ષા નિયુક્ત કરવામાં આવ્યા છે.
સંયુક્ત સુરક્ષા સચિવ સંસદ ભવનની સિક્યોરિટી સર્વિસના પ્રમુખ હોય છે. આઈપીએસ અગ્રવાલ 3 વર્ષ સુધી સંયુક્ત સચિવ સુરક્ષાના પદ પર રહેશે. આ પદ ગયા વર્ષે નવેમ્બરથી જ ખાલી હતુ. તેમના પહેલા આઈપીએસ રઘુબીર લાલ આ પદ પર હતા પરંતુ ગયા વર્ષે 2 નવેમ્બરે તેમની બદલી થઈ ગઈ હતી. તેમના બાદ ડાયરેક્ટર સ્તરના અધિકારી બ્રજેશ સિંહ આ પદને સંભાળી રહ્યા હતા.
ગયા વર્ષે સંસદ ભવનની સુરક્ષામાં ચૂક બાદ સિક્યોરિટીને લઈને પ્રશ્ન ઉભા થયા હતા. શરૂઆતી તપાસમાં સામે આવ્યુ હતુ કે એક મહિનાથી સંયુક્ત સચિવ સુરક્ષાનું પદ ખાલી હતુ. અનુરાગ અગ્રવાલ 1998 બેચના આસામ-મેઘાલય કેડરના આઈપીએસ અધિકારી છે. તેમને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સીઆરપીએફના આઈજી નિમણૂક કરવામાં આવ્યા હતા.
ગયા વર્ષે 13 ડિસેમ્બરે સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઈ હતી. આ મામલે સાગર શર્મા, મનોરંજન ડી, અમોલ શિંદે, નીલમ દેવી, વિશાલ શર્મા અને લલિત ઝા આરોપી છે. હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.