પેરીએ 37 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા
ચેન્નાઈ
ડબલ્યુપીએલ 2024માં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આરસીબીએ આ મેચ 23 રને જીતી હતી. આરસીબી કેપ્ટન સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. મંધાનાએ 50 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. જ્યારે પેરીએ 37 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પેરીનો એક છગ્ગો એટલો જોરદાર હતો કે સ્ટેડિયમમાં પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે ઇનામમાં આપવા માટે ઉભી રહેલી કારનો કાચ તૂટી ગયો હતો.
પેરીએ 19મી ઓવરમાં આ કાચ તોડનારો છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવર દીપ્તિ શર્માએ ફેંકી હતી. બોલ કારની પાછળની સીટના કાચ પર વાગ્યો અને પછી અંદર ઘૂસી ગયો. કાચ તૂટ્યા પછી પેરી ચોંકી ગઈ અને માથું પકડી લીધું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પેરીની ઇનિંગ્સનો અંત 20મી ઓવરના પ્રથમ બોલ પર એક્લેસ્ટોન દ્વારા કરવામાં આવ્યો હતો. તેણે બીજી વિકેટ માટે મંધાના સાથે 95 રન અને ત્રીજી વિકેટ માટે રિચા ઘોષ (21) સાથે 42 રનની ભાગીદારી કરી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સ સામે 198 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતી વખતે યુપીએ સારી શરૂઆત કરી હતી. કેપ્ટન એલિસા હીલી (55) અને કિરણ નવગીરે (18)એ પ્રથમ વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી હતી. આ પછી હીલીને બીજા છેડેથી વધુ સાથ મળ્યો ન હતો. ચમારી અટાપટ્ટુ (8), ગ્રેસ હેરિસ (5) અને શ્વેતા સેહરાવત (1) ડબલ ડીજીટ સુધી પણ ન પહોંચી શક્યા હતા. આવી સ્થિતિમાં દીપ્તિ શર્મા (33) અને પૂનમ ખેમનરે (31) યુપીની કમાન સંભાળી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. 18મી ઓવરમાં દીપ્તિ આઉટ થઈ ગઈ. યુપીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા.