યાત્રામાં રાહુલ ગાંધીનું સંબોધન, મોદી ઈચ્છે છે કે, તમે આખો દિવસ જય શ્રીરામ બોલો અને ભૂખ્યાં મરી જાવ
ભોપાલ
મધ્યપ્રદેશ પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ ફરી ભાજપના કાર્યકર્તાઓનો સામનો કરવો પડ્યો છે. એક તરફ રાહુલ ગાંધી યાત્રા સાથે આગળ વધી રહ્યા છે, તો બીજીતરફ આ યાત્રાને જોઈ ભાજપ કાર્યકર્તાઓ મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે. એટલું જ નહીં જ્યારે રાહુલ સૂત્રોચ્ચાર કરનારા કાર્યકર્તાઓ પાસે જાય છે, તો તેઓ રાહુલને બટેકા આપે છે અને તેઓ લઈ પણ લે છે. આ ઉપરાંત રાહુલે રાજ્યના શાજાપુરમાં પહોંચેલી યાત્રા દરમિયાન સંબોધન પણ કર્યું હતું, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ‘મોદી ઈચ્છે છે કે, તમે આખો દિવસ જય શ્રીરામ બોલો અને ભૂખ્યાં મરી જાવ.’
હાલ કોંગ્રેસની યાત્રા અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક તરફ ભારત જોડો ન્યાય યાત્રા સાથે રાહુલ ગાંધીનો કાફલો આગળ વધી રહ્યો છે, તો બીજીતરફ સામે આવી ચઢેલા ભાજપના કાર્યકર્તાઓ યાત્રા જોઈ મોદી-મોદીના નારા લગાવી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાડીમાંથી ઉતરી સૂત્રોચ્ચાર કરનારા ભાજપના કારકર્તાઓ પાસે જાય છે. વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે, ભાજપના કાર્યકર્તાઓ તેમને બટેકા આપે છે અને રાહુલ તે લઈ પણ લે છે. આ દરમિયાન કાર્યકર્તાઓ કહે છે કે, ‘બટાકા લો અને સોનું આપો’.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 2016માં ગુજરાતના પાટણમાં ભાષણ કર્યું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમાં તેઓ કથિત રીતે બોલતા જોવા મળી રહ્યા છે. ‘એવી મશીન લગાવીશ કે તેમાંથી એક સાઈડથી આલુ ઘૂસશે, બીજી સાઈડથી સોનું નિકળશે. જોકે ત્યારબાદ આ વીડિયો સાથે છેડછાડ કરી વાયરલ કરાયો હોવાની બાબત સામે આવી હતી.