બાર્બાડોઝના ધ્વજ હેઠળ પ્રવાસ કરી રહેલા અને લાઈબેરિયાની કંપનીની માલિકીના જહાજ પર હુમલો
નવી દિલ્હી
છેલ્લા ઘણા સમયથી રાતા સાગરમાં હુથીઓ દ્વારા માલવાહક જહાજો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે જેના કારણે શિપિગ કંપનીઓના જહાજને રૂટ બદલવો પડ્યો છે અને લાંબા રૂટની મુસાફરી કરવી પડી રહી છે ત્યારે એડનની ખાડીમાં ફરી એકવાર ઈરાન સમર્થિત હુથી જૂથ દ્વારા વેપારી જહાજને નિશાન બનાવીને મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ ક્રુ મેમ્બરના મોત થયા હતા અને ચાર ઘવાયા હતા. પરંતુ આ સૌની વચ્ચે ભારતીય નેવી મધદરિયે જહાજમાં ફસાયેલા 21 લોકો માટે ફરીશ્તો બની ગઇ. તેણે દિલધડક ઓપરેશન હાથ ધરી આ લોકોને બચાવવામાં સફળતા મેળવી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે બાર્બાડોઝના ધ્વજ હેઠળ પ્રવાસ કરી રહેલા અને લાઈબેરિયાની કંપનીની માલિકીના જહાજ પર બુધવારે સવારે 11 વાગ્યે ઈરાન સમર્થિત હુથી જૂથ દ્વારા એક બેલેસ્ટિક મિસાઈલ ઝીંકાઈ હતી અને તેના કારણે પ્રંચડ વિસ્ફોટ થતા જહાજને નુકસાન થયું હતું. આ હુમલામાં ત્રણ ક્રુ મેમ્બરના મોત થયા હતા. ચાર લોકો ઘાયલ થયા છે અને તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. આ હુમલા બાદ ભારતીય નેવીએ એક ખાસ ઓપરેશન દ્વારા એડનની ખાડીમાં બલ્ક કેરિયર એમવી ટ્રુ કોન્ફિડન્સમાંથી ભારતીય નાગરિક સહિત 21 લોકોને સફળતાપૂર્વક બચાવ્યા હતા.
ભારતીય નેવીએ યમનના બંદર શહેર એડનથી લગભગ 55 નોટિકલ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. એડનની ખાડીમાં દરિયાઈ સુરક્ષા માટે તૈનાત INS કોલકાતા ઝડપથી સ્થળ પર પહોંચી અને હેલિકોપ્ટર અને બોટનો ઉપયોગ કરીને બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જેમાં એક ભારતીય નાગરિક સહિત 21 લોકોને લાઇફ રાફ્ટ દ્વારા બહાર કાઢ્યા હતા. જહાજની તબીબી ટીમે ઘાયલ ક્રૂને તાત્કાલિક ધોરણે તબીબી સહાય પૂરી પાડી હતી.