તમામ મહિલાઓને એક ખુલ્લો પત્ર

Spread the love

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ!

આપણે આઠમી માર્ચે મહિલા દિવસ ઊજવી રહ્યા છીએ ત્યારે હું આ તકનો લાભ ઉઠાવીને સૌ પ્રેમાળ મહિલાઓ સુધી પહોંચવા માંગતી હતી. હું ખરેખર એવું માનું છું કે દરેક દિવસ એ મહિલા દિવસ છે પરંતુ એ પણ મહત્વનું છે કે એક એવો દિવસ હોય જ્યારે આપણે માત્ર મહિલાઓ પર જ ધ્યાન આપીએ. એક એવો દિવસ જ્યારે અખબારોના મથાળાથી પણ આગળ વધીને મહિલાઓની સિદ્ધિઓની ઊજવણી કરવામાં આવે, ઘરમાં, સમાજમાં તથા કોર્પોરેટ ક્ષેત્રે પોતાના તરફથી પ્રદાન કરી રહેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવે.

આ વર્ષની થીમ ખૂબ જ યોગ્ય છેઃ મહિલાઓમાં રોકાણ કરો, પ્રગતિને ઝડપી બનાવો. એક મજબૂત અને ઝળહળતા રાષ્ટ્રના નિર્માણ માટે મહિલાનું પ્રદાન મેળવવું ખૂબ જ મહત્વનું છે. જરા વિચારો કે તમે જ્યાં પણ જોશો ત્યાં ટોચના સ્થાને મહિલાઓ છે – ફોર્ચ્યુન 500 કંપની ચલાવતી સીઈઓથી માંડીને પોતાના બાળકો ઉછેરતી અને ઘર ચલાવતી ગૃહિણી. મહિલાઓ ધીમેધીમે પરંતુ નિશ્ચિતપણે વૈશ્વિક સ્તરે પોતાનું યોગ્ય સ્થાન હાંસલ કરી રહી છે અને નવી પેઢીને તેમને અનુસરે તે માટે પોતાના પદચિહ્નો છોડી રહી છે.

આ તકનો લાભ લેતાં હું ભારતીય ઈક્વિટી માર્કેટ્સમાં લગભગ 24 વર્ષની મારી પોતાની કારકિર્દી પર નજર કરી રહી છું. મારી કારકિર્દીમાંથી 16થી વધુ વર્ષ મેં કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ માટે કામ કર્યું છે. થોડા વર્ષો પહેલા જ્યારે મેં ફાઇનાન્સના ક્ષેત્રે મારી કારકિર્દી શરૂ કરી ત્યારે ઘણાંના ભવાં ચઢી ગયા હતા. મને યાદ છે કે મારા માતા-પિતાને એવું પૂછાતું હતું કે ઇક્વિટી માર્કેટમાં એક મહિલા અને એ પણ કોલકાતાની મહિલાનું શું કામ છે, આ ઇન્ડસ્ટ્રીમાં તુ પુરૂષો સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકીશ અને આવા અનેક સવાલો ઉઠ્યા હતા. આજે હું માનું છું કે હું ઘણે આગળ આવી ચૂકી છું, કેપિટલ માર્કેટ્સમાં મેં મારું સ્થાન મજબૂત બનાવ્યું છે, કોટક એસેટ મેનેજમેન્ટમાં ઇક્વિટી ફંડ્સ મેનેજ કરી રહી છું અને સિનિયર રિસર્ચ એનાલિસ્ટ્સની એવી ટીમનું નેતૃત્વ કરી રહી છું જેમાં મારા મિત્રો, સાથીઓ અને હિતેચ્છુઓ છે.

તમારા ટીકાકારોને ખોટા સાબિત કરવાનો એક જ રસ્તો છે – એકધારું અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે દિવસ-રાત મહેનત કરો. ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત સ્પર્ધામાં પોડિયમ ફિનિશ કરનારી સૌથી યુવાન ભારતીય ખેલાડીઓમાંની એક પીવી સિંધુએ કહ્યું હતું કે મજબૂત દિમાગ એ સૌથી મોટી મૂડી છે. જો કોઈ મારા કરતા વધુ આકરી તાલીમ લઈ રહ્યું હોય તો મારી પાસે કોઈ બહાનું બચતું નથી.

સફળતા માટેનું એક પરિબળ માર્ગદર્શન જેને ઘણીવાર અવગણવામાં આવે છે. મહિલાઓએ એકબીજાને ટેકો આપવો જોઈએ. ઇન્દ્રા નૂયીના શબ્દોમાં કહીએ તો “જ્યારે મહિલાઓ બીજી મહિલાઓને કાચની છત તોડવામાં મદદ કરશે ત્યારે તે છત રહેશે જ નહીં.”

મારું સદનસીબ એ હતું કે મારે મજબૂત આદર્શ મહિલા તરફ જોવાની જરૂર નહોતી, જેમ કે સુશ્રી શાંતિ એકમ્બરમ જેઓ મારી પોતાની સંસ્થામાં જ કામ કરતા હતા. જેમ આપણે એકબીજાની ઉજવણી કરીએ છીએ, હું આ તકનો ઉપયોગ કરીને એવી તમામ યુવા મહિલાઓને પ્રોત્સાહિત કરવા ઈચ્છું છું જેઓ ઉભરતા ઈક્વિટી એનાલિસ્ટ્સ અને ફંડ મેનેજર્સ છે અને કેપિટલ માર્કેટમાં પોતાનું સ્થાન બનાવવા ઈચ્છે છે. શરૂઆત કરનાર એક યુવતીને આશ્ચર્ય થાય કે શું ફાઇનાન્સમાં રોમાંચક પરંતુ સતત કામ માંગનારી કારકિર્દીનો અર્થ કૌટુંબિક જીવનનો ભોગ આપવાનો તો નથી થતો ને. મારો જવાબ છે કે  આ બાબત સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. હું માનું છું કે સ્ત્રીઓ આ બધું મેળવી શકે છે – સખત મહેનત કરો પરંતુ સ્માર્ટ વર્ક કરો અને બીજાના અનુભવમાંથી શીખો. તમારામાં વિશ્વાસ રાખો, તમારા સપનાંને અનુસરો તો તમારી પાસે અનંત તકો છે.

હું હવે મારી વાત પૂરી કરું છું ત્યારે હું તમારી મનપસંદ ફિલ્મોમાંની એક ચક દેના એક ગીતના થોડા શબ્દો તમારી સમક્ષ રજૂ કરવા માંગું છું – “બાદલ પે પાવન હૈ, યા છૂટા ગાંવ હૈ, અબ તો ભાઈ ચલ પડી, અપની યે નાવ હૈ”.

Total Visiters :137 Total: 925245

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *