સુદાનમાં પેટ્રોલની કિંમત લિટરે 1654 પર પહોંચતા ગધેડાઓની ભારે ડિમાન્ડ

Spread the love

લોકોને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી, ગધેડા ગાડીઓ એમ્બ્યુલન્સ તરીકે કામ કરતી હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે

ખાર્ટૂમ

આંતરિક ગૃહ યુધ્ધના કારણે ખુવાર થઈ રહેલા આફ્રિકન દેશ સુદાનની આર્થિક હાલત પણ દયાજનક છે. સુદાનમાં પેટ્રોલ ડિઝલની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે આ દેશમાં હવે ગધેડાઓની ડિમાન્ડ વધી ગઈ છે.

લોકો મુસાફરી માટે ગધેડા જોડેલી ગાડીઓ પર વધારે આધાર રાખી રહ્યા છે. અરાજકતા, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અને આમ છતા ફ્યૂલની અછતના કારણે સુદાનમાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકોને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી આવી રહી છે. ગધેડા ગાડીઓ એમ્બ્યુલન્સ તરીકે કામ કરતી હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર સુદાનમાં ચાલી રહેલા સિવિલ વોરમાં હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકો વિસ્થાપિત થઈ ચુકયા છે. આ દેશમાં લશ્કર અને અર્ધ લશ્કરી દળો સત્તા માટે આમને સામને લડી રહ્યા છે.

જોકે તેમાં આમ જનતા પિસાઈ રહી છે.કારણકે પેટ્રોલ પંપો સુધી પેટ્રોલ અને ડીઝલ પહોંચી રહ્યુ નથી. ફ્યુલની અછતના કારણે અત્યારે સુદાનમાં એક લીટર પેટ્રોલ 25000 સુદાની પાઉન્ડ એટલે કે 1654 રૂપિયે વેચાઈ રહ્યુ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અવર જવર માટે ગધેડાઓની માંગ એટલી વધી ગઈ છે કે, અહીંના માર્કેટમાં ગધેડાઓ પણ 350 થી 450 ડોલર એટલે કે 30000 થી 37000 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. લોકો પાસે અવર જવર કરવા માટે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.

પેટ્રોલ ડિઝલની સાથે સાથે ખાવા પીવાની વસ્તુઓના સપ્લાય પર પણ આંતરિક હિંસાની માઠી અસર પડી રહી છે.

Total Visiters :98 Total: 1473858

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *