મહિલા પ્રિમિયર લિગમાં દીપ્તી શર્માએ પ્રથમ હેટ્રિક લીધી

Spread the love

દીપ્તિ શર્મા ટી20 મેચમાં ફિફ્ટી ફટકારનારી અને હેટ્રિક લેનારી પ્રથમ મહિલા ખેલાડી બની

નવી દિલ્હી

ડબલ્યુપીએલ 2024માં ગઈકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના પ્રદર્શનના આધારે યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે એક રનથી રોમાંચક વિજય નોંધાવ્યો હતો. દીપ્તિ શર્માએ પ્રથમ બેટિંગ કરતા 59 રનની ઇનિંગ રમી હતી. આ પછી, તેણે બોલિંગમાં તેની કુશળતા બતાવી અને મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લઈને ઇતિહાસ રચી દીધો હતો. દીપ્તિ શર્મા મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. આ સિવાય દીપ્તિ શર્મા ટી20 મેચમાં ફિફ્ટી ફટકારનારી અને હેટ્રિક લેનારી પ્રથમ મહિલા ખેલાડી છે.

યુપી વોરિયર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 138 રન બનાવ્યા હતા અને દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સ માત્ર 137 રન બનાવી શકી હતી. દીપ્તિએ યુપી વોરિયર્સ માટે બે સ્પેલમાં હેટ્રિક પૂરી કરી હતી. દીપ્તિએ પ્રથમ કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગને 14મી ઓવરના છેલ્લા બોલ પર 60 રન પર આઉટ કરી. આ પછી તેણે 19મી ઓવરના પહેલા બે બોલ પર એનાબેલ સધરલેન્ડ (06) અને પછીના બોલ પર અરુંધતિ રેડ્ડીને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. જો કે શિખા પાંડેએ તેના આગલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પરંતુ તે જ ઓવરના ચોથા બોલ પર દીપ્તિએ શિખાને પેવેલિયન પરત કરી હતી. 

દીપ્તિ શર્માએ તેની ચાર ઓવરમાં 19 રન આપીને ચાર વિકેટ લીધી હતી. ગયા વર્ષે, મુંબઈ ઈન્ડિયન્સની ઇસ્સી વોંગે ડબલ્યુપીએલમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી દીપ્તિ તેના પછી બીજી બોલર છે.

મેચની વાત કરીએ તો યુપી વોરિયર્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કેપ્ટનનો આ નિર્ણય ખોટો સાબિત થયો. પરંતુ દીપ્તિએ એક છેડો પકડી રાખ્યો અને 48 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 59 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય કેપ્ટન એલિસા હીલીએ યુપી માટે 29 રનની ઇનિંગ રમી હતી. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ આ પછી મેગ લેનિંગે શાનદાર ઇનિંગ રમી અને ટીમને જીત તરફ લઈ જતી જોવા મળી હતી. દિલ્હીને 17.1 ઓવરમાં 112ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો અને ટીમ આસાનીથી મેચ જીતવા તરફ આગળ વધી રહી હતી, પરંતુ આ પછી દિલ્હીની ટીમ વિખેરાઈ ગઈ અને ટીમને એક રનથી મેચમાં શરમજનક હાર મળી હતી.

Total Visiters :66 Total: 944561

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *