ધોની પછી સીએસકેની કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ ઉમ્મેદવાર છે, રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી આઈપીએલ રમી શકેઃ રાયડુ
મુંબઈ
આઈપીએલની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટના સૌથી સફળ કેપ્ટનમાંથી એક રોહિત શર્મા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનના રૂપમાં નહીં, પરંતુ એક ખેલાડીના રૂપમાં મેદાનમાં ઉતરશે. તેના સ્થાને ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. એવી અટકળો ચાલી રહી હતી કે રોહિત મુંબઈ સાથેના સંબંધો તોડીને કોઈ અન્ય ટીમ માટે રમશે, પરંતુ હજુ સુધી એવું બન્યું નથી. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુએ રોહિતને લઈને મોટું નિવેદન આપ્યું છે.
અંબાતી રાયડુએ કહ્યું હતું કે, “રોહિતને આવતા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતો જોવા માંગુ છું. તે ધોની પછી સીએસકેની કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ ઉમ્મેદવાર છે. રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી આઈપીએલ રમી શકે છે.” રાયડુનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. કેટલાક ચાહકોએ રાયડુનું સમર્થન કર્યું તો કેટલાકે તેની ટીકા કરી છે.
રાયડુએ વધુમાં કહ્યું, “હું નજીકના ભવિષ્યમાં રોહિતને સીએસકે માટે રમતા જોવા ઈચ્છું છું. તે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો છે. તે સારું રહેશે જો તે સીએસકે માટે રમી શકે અને ત્યાં પણ જીતી શકે. સીએસકેનું નેતૃત્વ કરવું તે રોહિત પર નિર્ભર કરે છે. રોહિતને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર છે. તે કેપ્ટન બનવા માંગે છે કે નહીં તે તેનો નિર્ણય છે.”
આઈપીએલ 2024માં ધોની કેવી રીતે રમે છે તે જોવું રસપ્રદ રહેશે. આ તેની ટુર્નામેન્ટમાં તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી ઘૂંટણની ઈજામાંથી સાજા થયા બાદ ધોની નવી સિઝનમાં સીએસકેની કેપ્ટનશિપ માટે સખત મહેનત કરી રહ્યો છે. તે ચેન્નઈ પહોંચી ગયો છે અને ત્યાં તેના સાથી ખેલાડીઓ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.