સંયુક્ત રાષ્ટ્રએ ભારતના સીએએને મૌલિક રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો

Spread the love

સીએએ હેઠળ આવા દેશોના શિયા મુસ્લિમો જેવા મુસ્લિમ લઘુમતીઓને સ્થાન આપવામાં આવ્યું ન હોવાનો હ્યુમન રાઈટ્સ વૉચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનો આક્ષેપ

વોશિંગ્ટન

અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રએ ભારતના વિવાદિત નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ ભારતના આ કાયદાને મૌલિક રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર 2014 થી પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ઝડપથી નાગરિકતા આપવા માટે નાગરિકતા (સુધારા) કાયદો -2019 (સીએએ) ને સોમવારે 11 માર્ચે લાગુ કર્યો હતો. હવે તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. 

હ્યુમન રાઈટ્સ વૉચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. સીએએ હેઠળ આવા દેશોના શિયા મુસ્લિમો જેવા મુસ્લિમ લઘુમતીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. હ્યુમન રાઈટ્સ વૉચે કહ્યું કે ભારતે સીએએમાંથી એવા પડોશી દેશોને પણ બાકાત રાખ્યા છે જ્યાં મુસ્લિમો લઘુમતીમાં છે. અહીં મ્યાનમારનો ઉલ્લેખ કરાયો હતો કે જ્યાં રોહિંગ્યા લઘુમતીમાં છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર હાઈકમિશનરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે 2019 માં જ કહ્યું હતું કે અમે ભારતના નાગરિકતા (સુધારા) કાયદો 2019 (સીએએ) વિશે ચિંતિત છીએ કારણ કે તે મૂળભૂત રીતે ભેદભાવ કરે છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે.” સંયુક્ત રાષ્ટ્ર એ તપાસ કરી રહ્યું છે કે શું સીએએ ના નિયમો આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા સાથે સુસંગત છે. 

અમેરિકાએ પણ સીએએ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, “અમે 11 માર્ચે જાહેર કરાયેલી નાગરિકતા (સુધારા) કાયદાની સૂચનાથી ચિંતિત છીએ. અમે આ કાયદો કેવી રીતે લાગુ કરવામાં આવશે તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતા માટે આદર અને કાયદા હેઠળ તમામ સમુદાયો માટે સમાન વ્યવહાર એ લોકશાહીનો મૌલિક સિદ્ધાંત છે.”  ભારતીય મૂળના અમેરિકન સાંસદ રો ખન્નાએ પણ નાગરિકતા (સુધારા) કાયદાનો વિરોધ કરતાં કહ્યું કે “હું તેનો (સીએએ) વિરોધ કરું છું. ઈમિગ્રેશન પ્રત્યેનો મારો અભિગમ હંમેશા બહુલવાદ તરફ રહ્યો છે.

એક્ટિવિસ્ટ અને અધિકારોના હિમાયતીઓ કહે છે કે આ કાયદો પ્રસ્તાવિત નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) સાથે મળીને ભારતના 20 કરોડ મુસ્લિમો સાથે ભેદભાવ કરી શકે છે. આ વિશ્વની ત્રીજી સૌથી મોટી મુસ્લિમ વસ્તી છે.  લોકોને ડર છે કે સરકાર કેટલાક સરહદી રાજ્યોમાં માન્ય દસ્તાવેજો વિનાના મુસ્લિમોની નાગરિકતા રદ કરી શકે છે.

જો કે, ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય મુસ્લિમોએ નાગરિકતા (સુધારા) અધિનિયમ (સીએએ) વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે કાયદાને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી જેમને તેમના સમકક્ષ હિંદુ ભારતીય નાગરિકો સમાન જ અધિકારો છે. 

Total Visiters :136 Total: 1473779

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *