ધવલે ફાઈનલમાં છેલ્લી વિકેટ લીધા બાદ મેદાનમાંથી ભાવુક વિદાય લીધી, તેણે ભારત માટે 12 વન-ડે અને 2 ટી20આઈ મેચ રમી હતી
મુંબઈ
ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂકેલા ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીના ક્રિકેટિંગ કરિયરનો અંત આવી ગયો છે. રણજી ટ્રોફીની ફાઈનલ મેચ તેના કરિયરની છેલ્લી મેચ હતી. મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવીને 42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. 35 વર્ષીય ધવલ કુલકર્ણીએ વર્ષ 2007માં મુંબઈ તરફથી ડેબ્યુ કર્યું હતું. તેણે ફાઈનલમાં છેલ્લી વિકેટ લીધા બાદ મેદાનમાંથી ભાવુક વિદાય લીધી હતી. તેણે ભારત માટે 12 વન-ડે અને 2 ટી20આઈ મેચ રમી હતી.
વિદર્ભ સામે જીતવા માટે 538 રનનો ટાર્ગેટ હતો. મુંબઈ તરફથી ધવલ કુલકર્ણીએ વિદર્ભની છેલ્લી વિકેટ લીધી હતી. તેણે ઉમેશ યાદવને બોલ્ડ કરી મુંબઈને રેકોર્ડ 42મી વખત ચેમ્પિયન બનાવ્યું હતું. ધવલે મેચ બાદ કહ્યું હતું કે, “મેં વિચાર્યું ન હતું કે મને બોલિંગ મળશે. પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણેએ મને મેચ ફિનિશ કરવા માટે બોલિંગ સોંપી હતી.” મુંબઈની જીત બાદ ધવલ કુલકર્ણી ભાવુક થઈ ગયો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. ટીમના તમામ ખેલાડીઓ ધવલ પાસે આવીને તેને ગળે લગાવ્યો હતો.
ધવલ કુલકર્ણીએ ફાઈનલ મેચમાં પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ઝડપી 11 ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા. બીજી ઇનિંગમાં તેણે એક વિકેટ ઝડપી હતી. ધવલના નામે 96 ફર્સ્ટ ક્લાસ મેચમાં 285 વિકેટ છે. ભારત માટે ધવલે 12 વન-ડેમાં 19 અને 2 ટી20આઈ 3 વિકેટ ઝડપી છે.