થિરિમાને સાથે કારમાં એક વ્યક્તિ હાજર હતો જેને પણ તે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો
કોલંબો
શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને 14 માર્ચની સવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. થિરિમાનેની કાર શ્રીલંકાના અનુરાધાપુરામાં એક મિની ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત પછી તરત જ, ત્યાં હાજર લોકોએ થિરિમાનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જેમાં હાલ તેમની સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે. તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. થિરિમાને સાથે કારમાં એક વ્યક્તિ હાજર હતો જેને પણ તે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તે પણ સંપૂર્ણ સ્વસ્થ છે.
લાહિરુ થિરિમાને હાલમાં લિજેન્ડ્સ ક્રિકેટ ટ્રોફીમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ ટીમ તરફથી રમી રહ્યા છે. તેમણે 2023માં વન-ડે વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેમાં તેમના નિર્ણયનું સૌથી મોટું કારણ ટીમ દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી હતી. થિરિમાને શ્રીલંકા માટે ત્રણ વખત ટી20 વર્લ્ડ કપ ટીમનો ભાગ રહી ચૂક્યો છે, જેમાંથી 2014માં જ્યારે શ્રીલંકાની ટીમે ટી20 ટ્રોફી જીતી હતી ત્યારે થિરિમાને પણ ટીમમાં હાજર હતા.
શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાનેના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2010માં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તેમણે 44 ટેસ્ટ મેચ, 127 વનડે અને 26 ટી20 મેચ રમવાની તક મળી હતી. થિરિમાનેને શ્રીલંકા તરફથી 2 વન ડે વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે. આ સિવાય તેણે 5 વન-ડે મેચોમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. થિરિમાનેએ ટેસ્ટમાં 2088 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 3 સદીની ઈનિંગ્સ છે, આ સિવાય થિરિમાનેએ વનડેમાં 3164 રન બનાવ્યા છે જ્યારે ટી20 ઈન્ટરનેશનલમાં થિરિમાને 291 રન બનાવ્યા છે.