આ ડોકટરોની પહેલી બેચને 6 થી 12 મહિના સુધી બ્રિટનમાં તાલીમ આપ્યા બાદ તેમને હોસ્પિટલોમાં તૈનાત કરવામાં આવશે
લંડન
બ્રિટનની આરોગ્ય સેવા નેશનલ હેલ્થ સર્વિસ તરીકે ઓળખાય છે.એક સમયે સૌથી સારામાં સારી લોકસુવિધા તરીકે જાણીતી નેશનલ હેલ્થ સર્વિસ પર અત્યારે ડોકટરો અને નર્સોની અછતનુ સંકટ તોળાઈ રહ્યુ છે.
બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસમાં દર્દીઓની સારવાર માટે બેડ પણ ઓછા પડી રહ્યા છે, એમ્બ્યુલન્સો મોડી પહોંચી રહી છે, ઈજા થઈ હોય તો સારવાર માટે બાર-બાર કલાક સુધી રાહ જોવી પડે છે અને હાર્ટ એટેક જેવા ગંભીર મામલામાં પણ દર્દીની સારવાર આઠ કલાક પછી થતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે બ્રિટને ભારત પાસે મદદ માંગી છે.
બ્રિટનની વિનંતી બાદ ભારતે પોતાના 2000 ડોકટરોને નેશનલ હેલ્થ સર્વિસ માટે મોકલવા તૈયારી બતાવી છે. આ ડોકટરોની પહેલી બેચને 6 થી 12 મહિના સુધી બ્રિટનમાં તાલીમ આપ્યા બાદ તેમને હોસ્પિટલોમાં તૈનાત કરવામાં આવશે. તેમને બ્રિટનમાં નોકરી માટે જરુરી પ્રોફેશનલ્સ એન્ડ લિંગ્વિસ્ટિક બોર્ડની પરીક્ષા પણ પાસ નહીં કરવી પડે. બ્રિટિશ સરકાર આ પ્રોજેકટને ફંડ આપી રહી છે. આ ડોકટરોને સ્થાયી નોકરી તો હાલમાં નહીં મળે પણ તેમને વિદેશની હોસ્પિટલોમાં કામ કરવાનો અનુભવ અને ખાસા એવા પૈસા ચોક્કસ મળશે. બીજી તરફ ભારતીય ડોકટરો ભીડભાડમાં અને તણાવમાં કામ કરવા માટે ટેવાયેલા હોય છે. આમ નેશનલ હેલ્થ સર્વિસને તેમની કુશળતાનો લાભ મળશે.
ભારતે આપેલી સંમતિ બાદ કેટલાક જાણકારો એવો મત વ્યક્ત કરી રહ્યા છે કે, બ્રિટનમાં જનારા ડોકટરો બાદમાં ત્યાં કાયમ માટે સ્થાયી થઈ જાય તેવી પણ શક્યતા છે. આમ ભારતમાંથી ડોકટરોનુ બ્રેન ડ્રેન થશે. તો બીજી તરફ કેટલાકની દલીલ છે કે, ભારતમાં દર વર્ષે 1.10 લાખ વિદ્યાર્થીઓ ડોકટર બનતા હોય છે ત્યારે 2000 ડોકટરોની સંખ્યા એટલી મોટી નથી.
બ્રિટનની સરકારે નેશનલ હેલ્થ સર્વિસના ભાગરૂપે તમામ નાગરિકોને સંપૂર્ણપણે મફત સુવિધા આપવાનુ 1948થી શરૂ કરાયુ હતુ. જોકે કોવિડના સમયમાં તેની કમીઓ ઉજાગર થઈ હતી. આ સિસ્ટમ મોટા પાયે ફેલાયેલી મહામારીનો સામનો કરવા માટે તૈયાર નહોતી. ડિસેમ્બર 2022માં એવી સ્થિતિ સર્જાઈ હતી કે, 54000 લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે 12 કલાક રાહ જોવાનો વારો આવ્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોથી નેશનલ હેલ્થ સર્વિસને પુરતી નાણાકીય સહાય મળી નથી અને તે તેની પડતીનુ મુખ્ય કારણ બની રહ્યુ છે. બીજી તરફ બ્રિટનમાં પ્રાઈવેટ હોસ્પિટલો ફૂલી ફાલી રહી છે. દસ વર્ષના સમયગાળામાં તેમનો બિઝનેસ ડબલ થયો છે. પ્રાઈવેટ સેકટરના ડોકટરોએ 2022ના એક વર્ષમાં જ 8 લાખ લોકોની સારવાર કરી હતી.
ઓછા પગારના કારણે બે મહિના પહેલા જ હજારો જુનિયર ડોકટરોએ નેશનલ હેલ્થ સર્વિસની નોકરી છોડી દીધી હતી અને હડતાળ પાડી હતી. તેમણે વધારે પગારની માંગ કરી હતી. દેશમાં અત્યારે એવી સ્થિતિ છે કે, બ્રિટનના ડોકટરો નેશનલ હેલ્થ સર્વિસમાં ઓછા પગારના કારણે નોકરી કરવા માટે ઓસ્ટ્રેલિયા તરફ નજર દોડાવી રહ્યા છે.
અહીં એક સવાલ એ પણ છે કે, ભારત દ્વારા 2000 ડોકટરોને બ્રિટન મોકલવામાં આવશે અને તેઓ કામચલાઉ ધોરણે ત્યાં ફરજ બજાવશે પણ એ પછી શું? તેની કોઈ સ્પષ્ટતા હજી સુધી થઈ નથી. વડાપ્રધાન બન્યા બાદ ઋષિ સુનકે નેશનલ હેલ્થ સર્વિસ સુધારવાનો વાયદો કર્યો હતો પણ અત્યાર સુધીમાં જમીન પર તેનો કોઈ અમલ દેખાયો નથી ત્યારે લોકોના અસંતોષને જોતા સરકારે ભારતથી ડોકટરો બોલાવવાનો એક કામચલાઉ ઉપાય કર્યો છે.