છેલ્લા 17 વર્ષમાં પ્રથમ વખત બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં વધારો કર્યો છે, જેના કારણે શેરબજારના સેન્ટિમેન્ટને પણ અસર થઈ
મુંબઈ
શેરબજાર મંગળવારે નબળાઈ સાથે બંધ થયું. બીએસી સેન્સેક્સ 736 પોઈન્ટ ઘટીને 72012 પોઈન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી 238 પોઈન્ટ ઘટીને 21817 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે દિવસના કારોબાર દરમિયાન, BSE સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી 21800 ના સ્તરની નજીક પહોંચી ગયો હતો. એશિયન શેરબજારોમાંથી નબળા સંકેતો અને આઈટી શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં નબળાઈ આવી છે. છેલ્લા 17 વર્ષમાં પ્રથમ વખત બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં વધારો કર્યો છે, જેના કારણે શેરબજારના સેન્ટિમેન્ટને પણ અસર થઈ છે.
અમેરિકામાં વધી રહેલા ફુગાવાના દરને કારણે બજારમાં એવો ભય છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી શકે છે. આવતીકાલે ફેડરલ રિઝર્વની બેઠકના ડેટા આવવાના છે, તે પહેલા આરઆઈએલ, ભારતી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સન ફાર્માના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે.
મંગળવારે દિવસભર શેરબજારના કામકાજમાં નબળાઈ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.28 ટકા ઘટ્યો હતો જ્યારે BSE સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુની નબળાઈ નોંધાઈ હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લગભગ ત્રણ ટકા ઘટ્યો હતો જ્યારે નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં થોડી નબળાઈ નોંધાઈ હતી.
નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજી સૂચકાંકો બે ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. શેરબજારની નબળી કામગીરીના સમયગાળામાં મંગળવારે બજાજ ઓટો અને બજાજ ફાઇનાન્સના શેરમાં સારો ઉછાળો નોંધાયો હતો.
આઇશર મોટર્સ, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક, હિન્દાલ્કો અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં પણ મંગળવારના ટ્રેડિંગમાં વધારો નોંધાયો હતો. શેરબજારના ટોપ લુઝર્સ વિશે વાત કરીએ તો, તેમાં ટીસીએસ, બીપીસીએલ, સિપ્લા, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર, બ્રિટાનિયા અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરનો સમાવેશ થાય છે.
શેરબજારના જાણકારોનું કહેવું છે કે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ફેરફારની જાહેરાત પહેલા જ બજારમાં સાવચેતીભર્યું ટ્રેડિંગ થઈ રહ્યું છે. તાજેતરમાં એક બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે નિફ્ટીમાં 6500 પોઈન્ટ્સનું કરેક્શન આવી શકે છે અને નિફ્ટી 15,500ની સપાટીને સ્પર્શી શકે છે.