ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા બે કાર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસમાંથી રાજીનામા
ગાંધીનગર
એક સમયે સમગ્ર ગાંધીનગર જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પરંતુ હવે ધીરે ધીરે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટાયેલા બે કોપોરેટરે રાજીનામું આપી દીધું છે. આ સાથે જ ગાંધીનગરની કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બની ગઈ છે.
લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ એક પછી એક કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને ઝટકો આપી રહ્યા છે. અગાઉ અનેક કોંગ્રસના ધારાસભ્યો અને નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને પક્ષ સાથે છોડો ફાડી નાખ્યો છે ત્યારે હવે ગાંધીનગરના બે કોર્પોરેટરે પણ રાજીનામાં આપી દીધા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા બે કાર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે. આ બંને કોર્પોરેટરના રાજીનામાં બાદ ગાંધીનગર કોર્પોરેશન કોંગ્રેસ મુક્ત બની ગઈ છે. હવે સૂત્રો પાસેથી અહેવાલ મળી રહ્યા છે કે આવતીકાલે બંને નેતાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ બંને કોર્પોરેટરો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી.
કોર્પોરેશનમાં હવે વિપક્ષમાં ફક્ત એક જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહેશે. જેને પણ આગામી દિવસમાં ભાજપ દ્વારા સમાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી સમયમાં કોઈ વિપક્ષ જ નહીં રહે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. હાલ 44 પૈકી 41 કોપોરેટર ભાજપના છે ત્યારે બે કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપમાં ભળી જાય તો સંખ્યાબળ 43નું થશે.