સિદ્ધાર્થને જસ્ટિન લેંગરે આર્મ બોલ ફેંકતા જોયો ત્યારે તેની પાસેથી કોહલીને આઉટ કરવાનું વચન લીધું હતું
બેંગલુરૂ
આઈપીએલ 2024ની 15મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનઉએ 28 રનથી બેંગ્લોરને હરાવ્યું હતું. લખનઉની આ જીતમાં તેના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં યુવા ફાસ્ટ બોલર મયંક યાદવએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત લખનઉ સુપર જાયન્ટ્સનો અન્ય એક યુવા સ્પિનર હાલ ચર્ચામાં છે. આ યુવા સ્પિનરે ગઈકાલે રમાયેલી મેચમાં વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. આ વિકેટ સાથે તેણે પોતાના કોચને આપેલું વચન પણ પૂરું કર્યું હતું.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના યુવા સ્પિનર એમ. સિદ્ધાર્થએ આરસીબીના સ્ટાર બેટર વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. આરસીબી સામેની જીત બાદ લખનઉએ તેના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટીમના કોચ જસ્ટિન લેંગર ખેલાડીઓને સંબોધિત કરી રહ્યા છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે મણિમરણ સિદ્ધાર્થે પોતાનું વચન પૂરું કર્યું.
સિદ્ધાર્થ જ્યારે આરસીબી સામેની મેચ પહેલા પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે જસ્ટિન લેંગરે તેને આર્મ બોલ ફેંકતા જોયો હતો. સિદ્ધાર્થને આવું કરતા જોઈ લેંગરે તરત જ પૂછ્યું કે શું તે વિરાટ કોહલીની વિકેટ લેશે. સિદ્ધાર્થે પોતાના કોચને વચન આપ્યું અને કહ્યું ‘યસ સર’, પછી મેચમાં જે થયું તે આખી દુનિયાએ જોયું. જણાવી દઈએ કે વિરાટ કોહલી હંમેશા આર્મ બોલ સામે સમસ્યા અનુભવે છે. મણિમરણ સામે પણ આ જ જોવા મળ્યું અને વિરાટે સરળતાથી તેનો કેચ આપી દીધો હતો.