બર્મિંગહામ, અલાબામા, યુએસએ, રમતગમત ક્ષેત્રે મહાસત્તા તરીકે આગળ વધી રહેલ ભારત ‘2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ’ (WPFG)નું યજમાન બનશે. ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, ગાંધીનગર અને એકતા નગર ખાતે આ ગેમ્સ યોજાશે, આ દ્વિવાર્ષિક ઇવેન્ટમાં 70થી વધુ દેશોના 10,000થી વધુ ખેલાડીઓ આવશે, જેઓ પોલીસ, ફાયર, કસ્ટમ્સ અને કરેક્શનલ સર્વિસિસમાં ફરજ બજાવી રહ્યાં છે. વર્ષ 1985થી WPFGની શરૂઆત થયા પછી ભારત પ્રથમ દક્ષિણ એશિયાઇ રાષ્ટ્ર છે જેને આ ગેમ્સના યજમાન બનવાની તક મળી છે. આ જાહેરાત ગેમ્સના સંચાલક મંડળ, કેલિફોર્નિયા પોલીસ એથ્લેટિક ફેડરેશન (CPAF) સમક્ષ ભારતના ફાઇનલ પ્રેઝન્ટેશન પછી બર્મિંગહામ, અલાબામા ખાતે 25 જૂન 2025ના રોજ કરવામાં આવી હતી. ભારત પણ હવે અગાઉ યજમાન થયેલા કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ દેશોના જૂથમાં શામેલ થઇ ગયું છે, જે ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ ઇકોસિસ્ટમમાં મહત્વનું સ્થાન દર્શાવે છે. આ તક માટે 15 મહિના સુધી સખત ટેકનિકલ અને વહીવટી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બર્મિંગહામ ખાતે અંતિમ પ્રેઝન્ટેશન દરમિયાન ગુજરાતની બિડ ટીમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મુખ્ય સચિવ અશ્વિની કુમાર, IAS અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મુખ્ય સચિવ એમ. થેન્નારસન IAS શામેલ હતા. જેમણે રમતના આયોજન માટે રાજ્યની પ્રતિબદ્ધતા અને તૈયારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાત ‘એથ્લેટ્સ ફસ્ટ’ની ફિલસૂફીમાં માને છે, જેમાં સુવ્યવસ્થિત વિઝા પ્રક્રિયા, રોકાણનું પૂર્વ આયોજન, બહુ વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા, વ્યાપક તબીબી સહાય અને રમતગમત દરમિયાન ખેલાડીઓની તમામ જરૂરિયાનું ધ્યાન રાખવા સહિતની બાબતો સુનિશ્ચિત કરવામાં આવી. મહત્વાકાંક્ષી ભાગીદારી અને મજબૂત માળખાત સુવિધાઓ પ્રદાન કરીને ભારત WPFGના 40 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું આયોજન કરવાનું લક્ષ્ય રાખે છે. ભારત તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં ટકાઉપણું, ટેક-ડ્રાઇવ અને કલ્ચરલ ઇમર્સિવ ગેમ્સ એડિશન પર ભાર મૂકવામાં આવ્યો છે. હાઇલાઇટ્સની વાત કરીએ તો WPFGમાં સૌપ્રથમ વખત ટકાઉપણાને ધ્યાનમાં રાખીને ડિજિટલ ઓળખપત્ર સિસ્ટમ “વન-પાસ” અને રીઅલ-ટાઇમ ઓપરેશન માટે એક સંકલિત કમાન્ડ પ્લેટફોર્મનો સમાવેશ કરાયો છે. આ ગેમ્સ દેશના યુવાનોને ઇમરજન્સી સર્વિસમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા અને પ્લેટફોર્મ પ્રદાન કરશે, જેના માટે રાષ્ટ્રસ્તે શાળાઓ સહિત જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવશે. વર્ષ 2022માં 36મી નેશનલ ગેમ્સની સફળતા બાદ વર્ષ 2029માં WPFGમાં ઉમદા પ્રદર્શન દ્વારા મલ્ટી સ્પોટ્સ ઇવેન્ટમાં ગુજરાત દેશમાં અગ્રણી સ્થળ બનવા માગે છે. 15થી વધુ સ્થળો પહેલાથી જ કાર્યરત છે, ત્યારે ગેમ્સના વૈશ્વિક ધોરણો અને ઓપરેશનલ સિસ્ટમ્સમાં હાલની માળખાગત સુવિધાઓનો લાભ મળશે. આ રમત પણ યાદગાર બની રહે તેવી અપેક્ષા છે. આર્થિક રીતે આ આ આયોજનથી પ્રવાસનને વેગ મળશે, રોજગારીનું સર્જન થશે અને માળખાગત સુવિધાઓ સુસજ્જ થશે. સામુદયિક રીતે નાગરિકોને જોડશે, સ્વયંસેવકોને પ્રોત્સાહન આપશે સાથે જ સ્થાનિકોને વૈશ્વિક સંસ્કૃતિનો પરિચય કરાવશે. ડિજિટલ રીતે ભવિષ્યના ઉપયોગ માટે CPAFને એક ગેમ્સ એપ્લિકેશન સોંપવામાં આવશે, જે ભવિષ્યની પ્રવૃત્તિઓ માટે સાતત્ય અને નવીનતા સુનિશ્ચિત કરશે. આ રમતના સફળ આયોજન દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં વૈશ્વિક મંચ પર ભારત વિશ્વસનીય યજમાન તરીકેની ઓળખ વધુ મજબૂત બનાવશે.