નવી દિલ્હી
નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના ગણતરીના દિવસોમાં જ સરકારે જે રાજ્યોમાં ઘઉંની ખરીદી માટેની સમય મર્યાદા ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી હતી ત્યાં તેને લંબાવીને 31 મે, 2022 સુધીની કરી દીધી છે.
સરકારે સેન્ટ્રલ પૂલ માટે ઓછી ગુણવત્તાવાળા અનાજની પણ ખરીદી થઈ શકે તે હેતુસર ગુણવત્તા માપદંડો પણ ઘટાડી દીધા છે.
એક સત્તાવાર આદેશ પ્રમાણે 14મી મે સુધી સેનટ્રલ પૂલ (કેન્દ્રીય ભંડારણ) માટે આશરે 1.8 કરોડ ટન ઘઉં ખરીદ કરવામાં આવ્યા છે જે પાછલી સમાન અવધિની સરખામણીએ આશરે 51 ટકા જેટલા ઓછા છે કારણ કે, ઉત્પાદન માટેના મુખ્ય મહિનાઓમાં ગરમી વધવાના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જ્યારે ખેડૂતોએ પણ પોતાના ઘઉં MSPથી ઉંચા દરે ખાનગી વેપારીઓને આપવાનું પસંદ કર્યું છે.
આ બધા વચ્ચે અનાજની ગુણવત્તા મામલે સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના ખેડૂતો માટે ઝીણા-સુકાયેલા અનાજની મહત્તમ ગ્રાહ્ય મર્યાદા અગાઉના 6 ટકાથી વધારીને 18 ટકા સુધીની કરી દેવામાં આવી છે.
પંજાબ અને હરિયાણાએ 20 ટકા સુધી ઝીણા-સુકાયેલા અનાજની ખરીદીની મંજૂરી આપવા માટે ઘઉંની ગુણવત્તાના માપદંડોમાં છૂટની માગણી કરી છે.