વારાણસી
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે આજે ત્રીજા દિવસે પૂરો થયો છે. આ બધા વચ્ચે હિંદુ પક્ષના વકીલ દ્વારા એક મહત્વનો દાવો કરવામાં આવ્યો છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈન દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે કૂવાની અંદર કરવામાં આવેલા સર્વે દરમિયાન એક શિવલિંગ મળી આવ્યું છે. વિષ્ણુ જૈને વધુમાં જણાવ્યું હતું કે, તેઓ હવે શિવલિંગનું પ્રોટેક્શન લેવા માટે સિવિલ કોર્ટ જઈ રહ્યા છે.
અગાઉ સર્વે માટેની ટીમ જ્યારે જ્ઞાનવાપી મસ્જિદની અંદર જઈ રહી હતી ત્યારે ટીમના સદસ્ય આર પી સિંહને અટકાવવામાં આવ્યા હતા. તેમને આજના ત્રીજા દિવસના સર્વેમાં નહોતા સામેલ થવા દેવામાં આવ્યા. આર પી સિંહ પર માહિતી લીક કરવાનો આરોપ લાગ્યો છે. તેમના પર સર્વેની વાતો જાહેર કરવાનો આરોપ લાગ્યો છે.
સર્વે માટેની ટીમ આજે નંદીની સામે રહેલા કૂવા તરફ આગળ વધી હતી. કૂવામાં વોટર રેઝિસ્ટેન્ટ કેમેરા નાખીને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. અગાઉ રવિવારના રોજ થયેલા સર્વેમાં પક્ષમી દીવાલ, નમાજ સ્થળ, વજૂ સ્થળ ઉપરાંત ભોંયરાનો સર્વે કરવામાં આવ્યો હતો.
કોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે ગત 12મી મેના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે નિયુક્ત કરવામાં આવેલા એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે કોર્ટે તેમના સિવાય વિશાલ કુમાર સિંહને પણ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કરી દીધા હતા. જ્યારે અજય સિંહને આસિસ્ટન્ટ કમિશનર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે 17મી મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ દાખલ કરવા માટે જણાવ્યું હતું.
રવિવારે પણ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થયો હતો. બીજા દિવસના સર્વેનું કામ 12 વાગ્યે પૂર્ણ થવાનું હતું પરંતુ સર્વેનું કામ નિર્ધારિત સમય કરતાં વધારે સમય સુધી ચાલ્યું હતું. બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના ગુંબજો અને દીવાલોનો સર્વે થવાનો હતો.
તેના પહેલા સિવિલ જજ સીનિયર ડિવીઝનની કોર્ટના આદેશ પર સર્વે માટે વાદી અને પ્રતિવાદી પક્ષની સાથે જ કોર્ટ તરફથી નિયુક્ત પ્રતિનિધિઓનું દળ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચ્યું હતું.