નવી દિલ્હી
ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા પોતાની સાદગી માટે જાણીતા છે. જો દુનિયામાં વિનમ્ર ઉદ્યોગપતિઓની ગણતરી થાય તો તેમને પ્રથમ સ્થાન પર રાખવામાં આવે. આ ક્રમમાં એક તાજી ઘટના સામે આવી છે જેમાં તેમની સાદગીએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે અને લોકો તેમને લેજેન્ડ કહી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે, અંતે રતન ટાટા ફરી એક વખત કેમ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટા બોડી ગાર્ડ વગર નેનો કારમાં મુંબઈની તાજ હોટલમાં પહોંચતા નજર આવી રહ્યા છે. રતન ટાટા ઈચ્છે તો કોઈ પણ લક્ઝરી કારનો ખર્ચ ઉઠાવી શકતા હતા પરંતુ તેમણે 1 લાખની કારમાં યાત્રા કરવાનું પસંદ કર્યું હતું જેને તેમની કંપનીએ 2008માં ભારતના સામાન્ય નાગરિકોના કાર ખરીદવાના સપનાને પૂર્ણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી હતી.
વીડિયોને પૈપરાજી વિરલ ભયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. રતન ટાટા આ વીડિયોમાં સફેદ રંગની એક ટાટા નૈનો કારમાં સવારી કરતા નજર આવી રહ્યા છે. તેમના આ વીડિયોમાં તેમની સાથે શાંતનુ નાયૂડ નજર આવી રહ્યા છે. તેમની વિદાય વખતે તાજ હોટલનો સ્ટાફ ત્યાં હાજર હતો. આટલી મોટી કંપનીના ચેરમેન હોવા છતાં તેમની સાથે ન તો વધારે સિક્યોરિટી હતી કે ન તો ગાડીઓનો કાફલો હતો. ત્યાં કેટલાક લોકોએ આ દ્રશ્ય જોયું તો તેઓ હેરાન રહી ગયા હતા. કેટલાકે તેમને લેજેન્ડ ગણાવ્યા તો કેટલાકે તેમની સાદગીની પ્રશંસા કરી હતી.
છેલ્લા અઠવાડિયે એક ભાવનાત્મક નોટ લખી હતી. નેનો તેમના માટે કેટલી મહત્વની છે. ટાટા નેનોના લોન્ચ ઈવેન્ટની એક તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, મેં ભારતીય પરિવારોને સ્કૂટર પર સવારી કરતા જોયા તો મને લાગ્યું કે, ફોર વ્હીલરનો શોખ સામાન્ય માણસને પણ હોય છે. તેનાથી હું પ્રેરિત થયો અને મેં સૌથી ઓછી કિંમતમાં નેનો કાર બનાવવાનો નિર્ણય લીધો હતો.
રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરતી ટાટા મોટર્સે 10 જાન્યુઆરી 2008માં લખટકિયા કહેવાતી સૌથી ઓછી કિંમતની કાર નેનોને ભારતમાં લોન્ચ કરી હતી. આ કાર દેશમાં લોન્ચ થતા જ ખૂબ જ તેજીથી વેચાવા લાગી હતી પરંતુ થોડા સમય બાદ સતત ઘટતી માંગ અને કેટલીક અન્ય સમસ્યાઓના કારણે 2018માં આ કારનું વેચાણ ભારતમાં બંધ કરી દેવું પડ્યું હતું.