મુંબઈ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પર જે સંકટ ઘેરાયું છે તેના માટે શિવસેના સાંસદ સંજય રાઉત કેન્દ્રીય એજન્સીઓના દુરૂપયોગને જવાબદાર ઠેરવી રહ્યા છે. જોકે તેમાં અમુક અંશે સત્ય જણાઈ રહ્યું છે કારણ કે, એકનાથ શિંદે સાથે મળીને બળવો પોકારનારા શિવસેનાના 30થી વધુ ધારાસભ્યો પૈકીના 2 (પ્રતાપ સરનાઈક તથા યામિની જાધવ) કેન્દ્રીય એજન્સીઓની રડાર પર છે. યામિની, સરનાઈક તથા તેમના પરિવારજનો ઈડી તથા આઈટીની રડારમાં છે.
રાજકીય નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કેન્દ્રીય એજન્સીઓના પ્રકોપથી બચવા માટે જ ધારાસભ્યોએ બળવાનો રસ્તો અપનાવ્યો છે. તેમને એવો વિશ્વાસ છે કે, રાજ્યમાં ભાજપ સાથે સરકાર બનાવવાથી તેઓ તપાસ એજન્સીઓની રડારમાંથી બચી શકે છે. અનેક મહિનાઓથી જેલના સળિયા પાછળ પુરાયેલા પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિકનું ઉદાહરણ તેમના સામે જ છે.
ભાયખલાના શિવસેના ધારાસભ્ય યામિની જાધવ તથા સતત 4 વખત બીએમસી સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ રહી ચુકેલા યશવંત જાધવના મઝગાંવ સ્થિત પર થોડા મહિનાઓ પહેલા આઈટી વિભાગે દરોડો પાડ્યો હતો. આશરે 4 દિવસ સુધી ચાલેલી તપાસમાં અનેક એવા દસ્તાવેજો મળી આવ્યા હતા જે જાધવ દંપતીની મુશ્કેલી વધારી શકે તેમ છે.
થોડા મહિનાઓ પહેલા ઈડી દ્વારા ઓવલા-માજીવાડા વિધાનસભા બેઠક પરથી શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક તથા તેમના દીકરા વિહંગની પુછપરછ કરવામાં આવી હતી. ઈડીએ સરનાઈકની અનેક સંપત્તિઓને જપ્ત કરી છે તથા તેમના ઘર, કાર્યાલય પર ઈડીનો દરોડો પડી ચુક્યો છે.
નોંધવા જેવી વાત એ પણ છે કે, સરનાઈકે આશરે એકાદ વર્ષ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યું હતું કે, તમે વડાપ્રધાન મોદી સાથે ઘરોબો કેળવશો તો રવિન્દ્ર વાયકર, અનિલ પરબ, પ્રતાપ સરનાઈક જેવા નેતાઓ અને તેમના પરિવારોની પીડાનો અંત આવશે. સરનાઈકે પોતાના પત્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે હાથ મિલાવવા વિનંતી કરી હતી. શિવસેનામાં બળવા બાદ સરનાઈકનો તે પત્ર ખૂબ ચર્ચામાં આવ્યો છે.