હૈદ્રાબાદ
ગુજરાતમાં લોકો ચોમાસા દરમિયાન રસ્તા પર પડી જતા ખાડાથી હેરાન પરેશાન થતા હોય છે. જોકે બીજા રાજ્યોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે.
દેશમાં 50 ટકા અકસ્માતો રસ્તા પર પડતા ખાડાથી થતા હોય છે.
આવા જ એક અકસ્માતનો ભોગ હૈદ્રાબાદના 73 વર્ષીય એન્જિનિયર ગંગાધર તિલક બન્યા હતા. એ પછી તેમણે તંત્ર સમક્ષ ઘણી રજૂઆતો કરી હતી. જોકે સિસ્ટમના બહેરા કાન પર અથડાઈને તેમની રજૂઆતો પાછી ફરી રહી હતી અને તેના કારણે તેમણે જાતે જ રસ્તા પર પડેલા ખાડા પૂરવાનુ અભિયાન શરૂ કર્યુ હતુ. 11 વર્ષથી તેઓ આ કામ કરી રહ્યા છે અને હૈદ્રાબાદના રસ્તા પર અત્યાર સુધીમાં 2030 ખાડા પૂરી ચુકયા છે.
તેઓ રોજ પત્ની સાથે રસ્તા પર કાર લઈને નીકળે છે. ખાડા પૂરવાનુ મટિરિયલ તેઓ ગાડીમાં જ રાખે છે. જ્યાં તેમને ખાડો દેખાય ત્યાં તેઓ પોતાનુ કામ શરૂ કરી દે છે. લોકો હવે તેમને રસ્તાના ડોકટર કહીને બોલાવવા માંડ્યા છે.
ગંગાધર તિલક રેલવેમાં કામ કરી ચુકયા છે. એ પછી એક સોફટવેર કંપનીમાં પણ કામ કર્યુ હતુ. પેન્શનની રકમ તેઓ ખાડા પૂરવામાં ખર્ચે છે અને અત્યાર સુધીમાં તેઓ 40 લાખ રૂપિયા વાપરી ચુકયા છે.